/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/16200910/maxresdefault-105.jpg)
અસ્થિમાં આજીવિકા ......
અસ્થિમાં આજીવિકા... હા અસ્થિમાં આજીવિકા તમે સાચુ જ સાંભળ્યું... આજનું અમારૂ કનેકટ ગુજરાતનું વિશેષ બુલેટીન પેટનો ખાડો પુરવા માટે માનવીને કઇ હદ સુધી જવું પડે છે તેના પર આધારિત છે. હાલમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહયો છે અને સ્મશાનોમાં ચિતાઓ સતત સળગતી રહે છે અને કોરોનાના કારણે મોતને ભેટેલા હતભાગી લોકોના નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન થઇ રહયાં છે. આ મૃતદેહોની અસ્થિમાંથી કેટલાક શ્રમજીવીઓ પોતાનું પેટીયુ રળવાનો પ્રયાસ કરી રહયાં છે....
ગુજરાતને દેશના સમૃધ્ધ રાજયો પૈકીનું એક ગણવામાં આવે છે. લાખો લોકોને રોજગારી આપતું ગુજરાત આજે કોરોનાના કહેર વચ્ચે એક એક શ્વાસ માટે ભીખ માંગી રહયું હોય તેમ લાગી રહયું છે. કોરોનાના દર્દીઓ વધી રહયાં હોવા છતાં લોકો રોજગારી મેળવવા ના છુટકે ઘરોની બહાર નીકળી રહયાં છે. કોરોનાના કારણે મૃત્યુ પામી રહેલાં લોકોનો ગ્રાફ દિનપ્રતિદિન ઉંચો જઇ રહયો છે. રાજયના દરેક શહેરમાં સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ડાઘુઓને રાહ જોવી પડી રહી છે. સતત સળગતી ચિતાઓમાં કોરોનાગ્રસ્તોના નિશ્ચેતન દેહ પંચમહાભુતમાં વિલિન થઇ રહયાં છે. હોસ્પિટલોમાંથી થ્રી લેયર બેગમાં પેક થઇને આવતાં મૃતદેહો સીધા ચિતા પર જાય છે અને ત્યાં અગ્નિદાહ આપવામાં આવે છે. કોરોનાના ડરથી સ્વજનો મૃતકોની અસ્થિઓ લેવા માટે પણ આવી રહયાં ન હોવાથી સ્મશાન સંચાલકોને અસ્થિનું જાતે નદીના નીરમાં વિસર્જન કરી રહયાં છે.
હવે તમને બતાવવા જઇ રહયાં છે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારાનો માહોલ.... નદીના પાણીમાંથી અસ્થિઓને ચારણીમાં ખંગાળતા શ્રમજીવીઓ અસ્થિમાંથી આજીવિકા મેળવવાનો પ્રયાસ કરી રહયાં છે.
હિંદુ સમાજમાં મૃત્યુ પામનાર વ્યક્તિના મુખમાં તુલસીના પાન ઉપર સોના, ચાંદી અથવા રૂપાની વસ્તુઓ મુકવાની પરંપરા ચાલી આવે છે. મૃતકના મુખમાં આ વસ્તુઓ મુકયાં બાદ તેના દેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવે છે. અંતિમ સંસ્કારના બીજા અથવા ત્રીજા દિવસે પરિવારનો સભ્ય સ્મશાનમાં જાય છે. અને જે ચીતા ઉપર અંતિમ સંસ્કાર કર્યા હોય તે ચીતામાંથી અસ્થી લેછે. અનેતે બાદ ચાદોદ નર્મદા નદી અથવા પવિત્ર નદીએ જઇને વિસર્જન કરે છે. અને પ્રિયજન માટે મોક્ષ પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. જોકે, કોરોનાની મહામારીએ પરંપરાઓ ભૂલાવી દીધી છે. વડોદરા સહિત રાજયભરમાં કોરોનામા મૃત્યુ પામતા લોકોના મૃતદેહો હોસ્પિટલોમાંથી કીટમાં ફીટ કરીને સીધા અંતિમ સંસ્કાર માટે શહેરના વિવિધ સ્મશાનોમા લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાં પીપીઇ કીટમા સજ્જ પરિવારજનની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
છેલ્લા એક વર્ષથી વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોના એકબીજાના સંપર્કમાં આવવાના કારણે ફેલાતો હોવાથી મૃતદેહોના અંતિમ સંસ્કારની પરંપરા પણ તુટી ચુકી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિએ પહેરેલી સોના - ચાદીની વસ્તુ સાથેજ અગ્નીસંસ્કાર મોટાભાગે કરવામાં આવી રહ્યા છે.
વડોદરાના ખસવાડી તથા અન્ય સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર બાદ પરિવારજનો અસ્થિ લેવા માટે આવી રહયાં નથી. મૃતદેહની અસ્થિમાંથી કદાચ સોના, ચાંદી કે રૂપાની વસ્તુઓ મળી જાય તેવા આશયથી શ્રમજીવીઓ અસ્થિઓ ચારણીથી ચાળી રહયાં છે. શહેરના સૌથી મોટા કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં અસ્થીઓના પોટલા સ્મશાનની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વિસર્જન કરવા માટે ઢગલો કરવામાં આવે છે. આ અસ્થી ભરેલા પોટલાઓથી નદી કિનારે રહેતાં હિંદુ - મુસ્લિમ શ્રમજીવીઓ ચારણીથી અસ્થીઓ ચાળી સોના - ચાદીની વસ્તુઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
2019ની સાલથી ફેલાયેલી કોરોનાની મહામારી હવે ઘાતક બની ચુકી છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકોને ઘરોમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. કોરોનાએ માનવ જીવનને ધરમુળથી બદલી નાંખ્યું છે ત્યારે આજીવિકા મેળવવા માટે પણ ગરીબો અવનવી તરકીબો અજમાવી રહયાં છે. જેમ સોની બજારની ગટરોના પાણીને ખંગાળીને સોનું કે ચાંદી મેળવવાનો પ્રયાસ શ્રમજીવીઓ કરતાં હોય છે તેવો માહોલ હવે વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે જોવા મળી રહયો છે. આવા જ રસપ્રદ સમાચારો તથા દેશ- વિદેશના સમાચારો મેળવવા આપ જોતા રહયો કનેકટ ગુજરાત.. આપ અમારા ફેસબુક, ઇન્સટાગ્રામ અને યુ ટયુબના પેજને ફોલોકરી અપડેટ મેળવી શકશો.