-
સુરતમાં 59.21 ટકા મતદાન બાદ હવે પરિણામનો વારો
-
10 રિટર્નિંગ ઓફિસરના સુપરવિઝન હેઠળ ગણતરી થશે
-
સ્ટ્રોંગ રૂમ પર લોખંડી પોલીસ બંદોબસ્ત
-
30 વોર્ડ, 10 ઓફિસર અને કરોડોની આશા
-
જૂના જોગીઓ પર વિશ્વાસ કે પરિવર્તનને આવકાર!
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગનો આવતીકાલે ફેંસલો થવા જઈ રહ્યો છે. સુરતના નાગરિકોએ કોના પક્ષમાં મતદાન કર્યું છે તે થઈ જશે. આ ચૂંટણીમાં કુલ 59.21 ટકા જેટલું ઉત્સાહજનક મતદાન નોંધાયું છે, જે બાદ હવે ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગનો આવતીકાલે ફેંસલો થવા જઈ રહ્યો છે.વહેલી સવારથી જ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વખતે ગણતરી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે ખાસ આયોજન કરાયું છે.
સમગ્ર પ્રક્રિયા 10 રિટર્નિંગ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ પૂર્ણ થશે.દરેક ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જેનાથી કુલ 30 વોર્ડની ગણતરી સુવ્યવસ્થિત રીતે ચાલશે.મતગણતરી માટે ખાસ બે અલગ-અલગ બિલ્ડિંગમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સુરક્ષાની વાત કરીએ તો, EVM મશીનોને હાલ ચુસ્ત સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. આ ઉપરાંત, મીડિયાકર્મીઓ, ચૂંટણી એજન્ટો અને મતગણતરી એજન્ટો માટે પણ ખાસ બેઠક વ્યવસ્થા અને ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સુરતની જનતા ફરી એકવાર જૂના જોગીઓ પર વિશ્વાસ મૂકે છે કે પછી પરિવર્તનને આવકારે છે.
