લોક જનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાય
સ્થાપના દિવસને લઈ બેઠકો-જનસંપર્ક કાર્યક્રમનું આયોજન
LJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અસીમખાન રહ્યા વિશેષ ઉપસ્થિત
રીબીન અને કેક કાપી ભરૂચ LJP કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા
લોક જનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચની જંબુસર ચોકડી નજીક LJP કાર્યાલયનું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અસીમખાનના હસ્તે ઉદ્ઘાટન તેમજ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
સ્વ. રામવિલાસ પાસવાન દ્વારા વર્ષ 2000’માં તા. 28 નવેમ્બરના રોજ દિલ્હી ખાતેથી લોક જનશક્તિ પાર્ટી (LJP)ની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે આજરોજ લોક જનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસની ભરૂચ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
જંબુસર ચોકડી નજીક આવેલ પક્ષના કાર્યાલયનું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અસીમખાનના હસ્તે રીબીન કટિંગ અને કેક કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત LJP પ્રદેશ પ્રમુખ આશિષ પટેલ, ઉપપ્રમુખ અબ્દુલ કામઠી, વિવિધ જિલ્લાના અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ રાજ્યો અને જિલ્લા કાર્યાલયો પર LJP પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે બેઠકો તેમજ જનસંપર્ક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં ભરૂચમાં લોક જનશક્તિ પાર્ટીએ ચૂંટણીના મેદાને ઉતારવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
