એકતાનગરનું રેન ફોરેસ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો
રૂ.9.49 કરોડના ખર્ચે તૈયાર થયેલ રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ
પગ નીચે પથરાયુ લીલુંછમ જંગલ
પ્રવાસીઓમાં હવામાં ચાલવાનો અનોખો રોમાંચ
કાચનો સ્કાયવોક પ્રવાસીઓને કરે છે રોમાંચિત
નર્મદા જિલ્લાના એકતાનગરમાં રૂપિયા 9.49 કરોડના ખર્ચે તૈયાર થયેલો ‘રેન ફોરેસ્ટ’ પ્રોજેક્ટ અને 220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે.
પગ નીચે પથરાયેલું લીલુંછમ જંગલ અને હવામાં ચાલવાનો અનોખો રોમાંચ — ગુજરાતના એકતાનગરમાં રૂપિયા 9.49 કરોડના ખર્ચે તૈયાર થયેલો ‘રેન ફોરેસ્ટ’ પ્રોજેક્ટ અને 220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 47 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા આ પરિસરમાં હિમાલય, પશ્ચિમ ઘાટ અને આંદામાન-નિકોબારની દુર્લભ વનસ્પતિઓ એક જ સ્થળે ઉછેરવામાં આવી છે.
એકતાનગર સ્થિત રેન ફોરેસ્ટમાં કુદરતી પથ્થરોનું પ્રવેશદ્વાર, 5 થી 8 મીટર ઊંચો ધોધ, ગોળાકાર તળાવ અને નર્મદાના પથ્થરોથી બનેલા વોકિંગ ટ્રેલ્સ આબેહૂબ વન-વાતાવરણ ઊભું કરે છે. અહીં 220 મીટર લાંબા કાચના સ્કાયવોક પરથી દેખાતો જંગલનો નજારો પ્રવાસીઓને રોમાંચિત કરી દે છે.
પરિસરમાં લગાવેલા 20 ‘રેનગન’ ચેમ્બરમાંથી નીકળતી ધુમ્મસ જેવી વરાળ વાદળો વચ્ચે ચાલવાનો અહેસાસ કરાવે છે. ઊંચાઈ પરથી કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી હોવાથી તંત્રએ અવરજવર નિયંત્રિત કરવી પડે છે. આ ઉપરાંત, મુલાકાતીઓ ઇન્ફર્મેશન સેન્ટર અને QR કોડ સિસ્ટમ દ્વારા અહીંની જૈવવિવિધતાની સચોટ માહિતી મેળવે છે.
બાળકો માટેના પ્લે એરિયાથી સજ્જ આ સ્થળ પરિવાર સાથે સમય વિતાવવા અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજવા માટેનું ઉત્તમ માધ્યમ બન્યું છે.
