મહિલાઓને લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવા, કેન્દ્ર સરકારે બેઠકોની સંખ્યામાં 50 ટકા વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્રીય કેબિનેટે‘સંવિધાન વિધેયક, 2026’ ને મંજૂરી આપી દીધી છે,જેના અંતર્ગત લોકસભાની મહત્તમ સંખ્યા 850 થઈ શકશે.
રાજયોમાંથી મહત્તમ 815 અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 35 સભ્યની પસંદગી થશે. રાજ્યની વિધાનસભાની મહત્તમ સંખ્યા 500 થી વધારીને 650 કરવાનો પ્રસ્તાવ કર્યો છે. આ પ્રસ્તાવ હેઠળ, સીમાંકન પ્રક્રિયા દરમિયાન દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે લોકસભાની બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે, આનાથી રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોનું વર્તમાન પ્રમાણ જળવાઈ રહેશે. વસ્તીના આધારે સીમાંકન કરવાથી સંસદમાં પોતાનું પ્રતિનિધિત્વ ઘટવાની દક્ષિણ ભારતીય રાજ્યોની ચિંતાને દૂર કરવા માટેની આ ખાસ જોગવાઈ છે.
આ ખરડામાં લોકસભા અને વિધાનસભા માટે બેઠકોની ફાળવણી અને મતવિસ્તારોના પુનઃનિર્ધારણની વર્તમાન વ્યવસ્થાઓને 2051 સુધી ચાલુ રાખવાનો એટલે કે નવી સીમાંકન પ્રક્રિયા બાદ નક્કી થયેલું રાજ્યો વચ્ચેની લોકસભા બેઠકોનું પ્રમાણ 2051 સુધી યથાવત રહેશે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં, વિધાનસભાના સંદર્ભમાં, આ ખરડામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે બેઠકોની વર્તમાન સંખ્યામાં 50 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવને પગલે વિધાનસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા 500 થી વધારીને 650 કરવામાં આવશે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો, અરુણાચલપ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં અનુસૂચિત જનજાતિઓ માટેની હાલની વિશેષ અનામત વ્યવસ્થા ચાલુ રહેશે. આમાં કોઈપણ ફેરફાર વર્ષ 2051 પછી થનારી પુનઃનિર્ધારણ પ્રક્રિયા દરમિયાન કરી શકાશે.
આ ખરડાની એક મુખ્ય જોગવાઈ ‘કલમ 334A’માં સુધારો કરવાની છે. આ અંતર્ગત, લોકસભા, રાજ્ય વિધાનસભાઓ તેમજ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાઓમાં એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ અનામત વ્યવસ્થા, આ સુધારા કાયદાના અમલીકરણ પછીની પ્રથમ સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાગુ થશે.
આ અનામતની અંદર, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે પહેલેથી જ અનામત રાખવામાં આવેલી બેઠકોમાંથી જ, તે સમુદાયોની મહિલાઓ માટે પણ જોગવાઈ કરવામાં આવશે.
મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી બેઠકો (મતવિસ્તારો) માટેની રોટેશનની પ્રક્રિયા સંસદ દ્વારા કાયદો ઘડીને નક્કી કરવામાં આવશે. આ અનામત વ્યવસ્થા 2023ના 106મા બંધારણીય સુધારા અધિનિયમના અમલથી 15 વર્ષ સુધી અમલમાં રહેશે. સંસદ કાયદો ઘડીને આ સમયગાળો લંબાવી શકે છે.
આ ખરડામાં બેઠકોની પુનઃ ફાળવણીના હેતુસર, સુધારા કાયદો અમલમાં આવે તે તારીખે ઉપલબ્ધ હોય તેવા સૌથી તાજેતરના પ્રકાશિત વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કરવાની દરખાસ્ત છે. જોકે, સરકારની યોજનાને 2011ની વસ્તી ગણતરી પર આધારિત સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવી રહી છે, પરંતુ ખરડાની જોગવાઈમાં સ્પષ્ટપણે કાયદો અમલમાં આવે તે સમયે ઉપલબ્ધ સૌથી તાજેતરના પ્રકાશિત ડેટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય નવી વસ્તી ગણતરીના ડેટા અથવા તેના પ્રકાશનની રાહ જોયા વિના સીમાંકન પ્રક્રિયાને આગળ વધારવાનો છે.
