કોલ્ડવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમા ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું . આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે, ત્યારબાદ ક્રમશ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઇ છે પણ હજુ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત છે. હાલમાં જો કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો, કચ્છના નલિયામાં 6.9 ડિગ્રી પારો ગગ્ડયો છે. અને હજુ આગામી ત્રણ દિવસ તાપમાન ઘટશે તેમ હવામાન ખાતાની આગાહી છે જે માટે હાલમાં બે દિવસ માટે કચ્છમાં ‘યલો એલર્ટ’ જાહેર કરી દેવામાં આવ્યું છે.આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં 16 તાલુકામાં માવઠું પડ્યું છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 1.50 ઈંચ, ભાણવડ-પોરબંદરમાં 1 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ૩ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો ઘટાડો થશે. આ પછીના બે દિવસ દરમિયાન તાપમાન ૩ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં રાહત અનુભવાશે. આમ, હાલની સ્થિતિએ ઉત્તરાયણના પર્વ વખતે વધારે ઠંડીની સંભાવના નહિવત્ છે. ગત રાત્રિએ નલિયામાં ૬.૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ નલિયામાં પાંચ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે.અમદાવાદમાં 24.8 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો જ્યારે 15.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. દિવસ દરમિયાન પણ ઠંડા પવનથી શહેરીજનો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ 12 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેતાં કાતિલ ઠંડી અનુભવાશે. અમદાવાદમાં છેલ્લા સતત 6 વર્ષથી જાન્યુઆરીમાં કમસેકમ એકવાર લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો છે.
રાજ્યમાં બે દિવસ ઠંડી રહેશે ત્યાર બાદ થશે ઘટાડો,હવામાન વિભાગની આગાહી
કોલ્ડવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમા ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.
