-
લિંબાયતમાં રોગચાળાનો કહેર
-
પરિવારનો એકનો એક પુત્ર છીનવાયો
-
મીઠી ખાડી વિસ્તારમાં માતમનો માહોલ
-
પેટમાં દુખાવો અને તાવ આવ્યા બાદ તબિયત લથડી
-
સિવિલમાં તબીબોએ મૃત જાહેર કર્યો
સુરત શહેરમાં મિશ્ર ઋતુની વચ્ચે રોગચાળો માથું ઉંચકી રહ્યો છે.લિંબાયતની મીઠી ખાડીમાં રહેતા એક શ્રમિક પરિવારના 6 વર્ષના માસૂમ પુત્રનું ઝાડા-ઉલટીની બીમારી બાદ ટૂંકી સારવારમાં મોત નીપજ્યું છે. એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા પરિવારના 6 વર્ષીય પુત્ર હસનેનને ગત રાત્રે અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને સાથે જ તીવ્ર તાવ આવ્યો હતો. બાળકની હાલત જોઈ ગભરાયેલા પરિવારે તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે, ત્યાં તેની તબિયતમાં કોઈ સુધારો ન થતા અને તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ હસનેનને મૃત જાહેર કર્યો હતો. તબીબોના મતે પ્રાથમિક દ્રષ્ટિએ ઝાડા-ઉલટી અને ડિહાઈડ્રેશનને કારણે મોત થયું હોવાનું મનાઈ રહ્યું છે. હસનેન તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો, જેના અકાળે અવસાનથી સમગ્ર મીઠી ખાડી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
હાલમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી મોતના ચોક્કસ કારણની ખબર પડી શકે. સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે કે ગંદકી અથવા દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે કે કેમ? ત્યારે વાલીઓએ પોતાના બાળકોના સ્વાસ્થ્ય બાબતે વધુ સતર્ક રહેવાની જરૂર છે.
