ભારતીય લોકોમાં દુબઈ જવાનો એક અલગ જ ઉત્સાહ છે. કેટલાક લોકો ફરવા જાય છે અને કેટલાક લોકો કમાવા જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુબઈ ક્યાં છે અથવા દુબઈ કયા દેશમાં છે? જો નહીં, તો જાણી લો કે અરબી રણની મધ્યમાં આવેલું દુબઈ સંયુક્ત આરબ અમીરાત (UAE)નું એક વૈભવી અને માલેતુજાર શહેર છે. તો ચાલો જાણીએ કે દુબઈ જવા માટે વિઝા કેવી રીતે મેળવવો, દુબઈના વિઝાનો કેટલો ખર્ચ થાય છે, દુબઈ જવા માટે શું જરૂરી છે વગેરે.
તમે કેવી રીતે જશો દુબઈ?
ભારતમાંથી દુબઈ જવા માટે હવાઈ મુસાફરી એ શ્રેષ્ઠ માર્ગ છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ મોટું એરપોર્ટ છે અને UAEનું સૌથી વ્યસ્ત એરપોર્ટ પણ છે, જ્યાં મુસાફરો માટે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ભારતથી તમે દુબઈની સીધી ફ્લાઈટ લઈ શકો છો. દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ વગેરે જેવા ઘણા ભારતીય શહેરોથી દુબઈની સીધી ફ્લાઈટ્સ છે. ભારતથી દુબઈનું અંતર અંદાજે 2,500 કિમી છે.
દુબઈ જવા માટે વિઝા કેવી રીતે મેળવશો?
દુબઈના વિઝા મેળવવા માટે, તમે વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે દુબઈ વિઝાની વેબસાઈટ પર એક ફોર્મ ભરવાનું રહેશે અને તમે બે કલાકમાં વિઝા મેળવી શકશો. આ માટે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કે તમારે કયા વિઝાની જરૂર છે, ટૂરિસ્ટ વિઝા, વિઝિટર વિઝા, ટ્રાન્ઝિટ વિઝા વગેરે.
દુબઈ વિઝાની કિંમત કેટલી છે?
ભારતીય નાગરિકોએ દુબઈ જવા માટે વિઝા ફી ચૂકવવી પડે છે. ભારતીયો માટે દુબઈ વિઝા ફી રૂ. 6,000 થી રૂ. 7,000 ની વચ્ચે છે. તમને જણાવી દઈએ કે દુબઈ માટે વિઝા ફી એક નિશ્ચિત સમયગાળા માટે છે, જો તમે તે નિર્ધારિત સમયગાળાથી વધુ રહેવા માંગતા હોવ તો તમારે વધુ ફી ચૂકવવી પડશે.