/connect-gujarat/media/media_files/2025/12/03/hill-station-2025-12-03-13-18-00.jpg)
જો તમે શિયાળાની રજાઓ માટે પ્રવાસનું આયોજન કરી રહ્યા હો, તો પર્વતો, હિમનદીઓ અને શાંતિપૂર્ણ પ્રકૃતિનો આનંદ માણવા માટે દિબાંગ ખીણ એક અદ્ભુત વિકલ્પ બની શકે છે.
આ ઋતુમાં લોકો મોટા ભાગે ઉત્તરાખંડ કે હિમાચલ તરફ વળે છે, પરંતુ ઉત્તર–પૂર્વ ભારતનું અરુણાચલ પ્રદેશ એવી જગ્યાઓથી ભરપૂર છે જે પ્રવાસીઓને અસાધારણ અનુભવ આપે છે. ત્યાં આવેલું દિબાંગ વેલી પોતાના અનોખા દૃશ્યોને કારણે ‘ભારતનું નોર્વે’ તરીકે ઓળખાય છે, કારણ કે અહીંની ખીણો, હિમાચ્છાદિત પહાડો અને સ્વચ્છ તળાવો નોર્વે જેવા દૃશ્યોની યાદ અપાવે છે.
દિબાંગ ખીણ ભારત–ચીન સરહદની નજીક આવેલું છે અને અહીંનો વિસ્તાર ખૂબ જ નિર્જન અને શાંત છે, જેના કારણે કુદરત પ્રેમીઓ અને ટ્રેકિંગ–એડવેન્ચર પસંદ કરનારાઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. અહીંના સ્ફટિક જળવાળા તળાવો, પડકારજનક ટ્રેલ્સ અને ઘાટીઓની પ્રાકૃતિક રચના પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. આ ક્ષેત્રની ઇદુ મિશ્મી જાતિની જીવનશૈલી અને સંસ્કૃતિ પણ આ સ્થળને વધુ રોચક બનાવે છે.
દિબાંગ ખીણમાં ફરવા જેવા અનેક સ્થળોમાં અનિની ટાઉન સૌથી સરળ અને લોકપ્રિય ગંતવ્ય છે. બરફથી ઘેરાયેલા પર્વતોની વચ્ચે આવેલું અનિની, તેના શાંત વાતાવરણ અને વહેતી નદીની કલકલ ધ્વનિને કારણે મનને શાંતિ આપે છે. લાંબા રસ્તાઓ પર ચાલવાથી લઈને નદી કિનારે કલાકો સુધી બેસવાથી અહીંની કુદરતી સુંદરતા પ્રવાસીઓને એક અનોખી દુનિયામાં લઈ જાય છે.
રોઇંગમાં આવેલું ભીષ્મનગર કિલ્લો પણ અહીંનું એક ઐતિહાસિક આકર્ષણ છે. આ 8મી સદીની પ્રાચીન રચના મિશ્મી રાજવંશના શાસનકાળની યાદ અપાવે છે. કિલ્લા ના કેટલાક ભાગો જર્જરિત હોવા છતાં, તેનું આર્કિટેક્ચર અને પ્રાચીનતા પ્રવાસીઓને ખાસ આકર્ષે છે. અહીં બે મોટા દરવાજા, ત્રણ વિશાળ હોલ અને બે ઓરડાઓ જોવા મળે છે, જે તેના ભૂતકાળની ગાથા કહે છે.
દિબાંગ ખીણ સુધી પહોંચવું પણ સરળ છે. દિબ્રુગઢ નજીક આવેલું મોહનબારી એરપોર્ટ સૌથી નજીકનું એર કનેક્શન છે. એરપોર્ટથી રોઇંગ લગભગ 140 કિમી દૂર છે, જ્યાંથી અનિની અને દિબાંગ ખીણ માટે બસો અને ખાનગી ટેક્સીની સગવડ મળે છે. ટ્રેન મુસાફરી પસંદ કરનારાઓ માટે તિન્સુકિયા સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. દિલ્હીથી અહીંનું અંતર 2187 કિમી જેટલું હોવાથી રોડ ટ્રિપ શક્ય નથી, પરંતુ હવાઈ મુસાફરી દ્વારા આ હિમાલયના મોતી સુધી સરળતાથી પહોંચી શકાય છે.
દિબાંગ ખીણ પ્રકૃતિ, સાહસ અને શાંતિનો સમન્વય ધરાવતું એવું સ્થળ છે, જે શિયાળાની રજાઓને સ્મરણિય બનાવી શકે છે. જો તમે રોજિંદી ભાગદોડથી દૂર જવાનો વિચાર કરી રહ્યા છો, તો ‘ભારતનું નોર્વે’ ચોક્કસ તમારી બકેટ લિસ્ટમાં હોવું જોઈએ.