ચોમાસામાં પ્રકૃતિપ્રેમી પર્યટકોની પહેલી પસંદ ડાંગનો નાયગ્રા વોટર ફોલ તરીકે ઓળખાતો વઘઇનો ગીરાધોધ...

ડાંગના નાયગ્રા તરીકે વોટર ફોલ ઓળખાતો ગીરાધોધ, ચોમાસાની સિઝન દરમ્યાન પ્રવાસીઓની પહેલી પસંદ.

New Update
ચોમાસામાં પ્રકૃતિપ્રેમી પર્યટકોની પહેલી પસંદ ડાંગનો નાયગ્રા વોટર ફોલ તરીકે ઓળખાતો વઘઇનો ગીરાધોધ...
Advertisment

ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ સ્થિત 'ધુંઆધાર વોટર ફોલ'ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા-વઘઇનો ગીરાધોધ, ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.

Advertisment

સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં 300 ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી 100 ફૂટ નીચે જ્યારે ખાબકે છે, ત્યારે અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટર ફોલ'ની યાદ અપાવી જાય છે. 

હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે 100 ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળ પ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે. અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. 

પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે અહીં પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે. વઘઇના 'ગીરાધોધ' ઉપરાંત ગુજરાતનો સૌથી ઊંચો સુબિર તાલુકાના ગિરમાળ ગામનો 'ગિરમાળ ધોધ' પણ પ્રવાસીઓનો માનીતો અને ચહિતો ધોધ છે.

300 ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકતો જળપ્રપાત પર્યટકોને રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવે છે. અહીં પણ જિલ્લા પ્રવાસન સમિતિ, અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી પાયાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ધોધ તરફ જતા માર્ગમાં આવતો પૂર્ણાં નદીનો 'સી વ્યૂ' પર્યટકોને પૂર્ણાં સેન્ચુરીનો એરિયલ વ્યુ પ્રદાન કરે છે. તો આહવાના સીમાડે આવેલા 'શિવ ઘાટ' અને 'યોગેશ્વર ઘાટ'ના 2 ટુરિસ્ટ ફ્રેન્ડલી વોટરફોલ શિવજી સહિત પર્યટકો ઉપર પણ જળાભિષેક કરે છે, ત્યારે ચોમાસાની ભીની ભીની મોસમમાં પ્રકૃતિપ્રેમીઓને આ ઘાટ આકર્ષી રહ્યો છે.