/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/16150307/maxresdefault-97.jpg)
વડોદરામાં કોરોનાના દર્દીઓ વધી રહયાં હોવાથી ઓકિસજનની માંગમાં વધારો થયો છે તેવામાં આજવા રોડ પર આવેલી હોસ્પિટલના સંચાલકોએ ગેટની પાસે જ ઓકિસજનના સિલિન્ડરો મુકી દેતાં અંબિકા દર્શન - 2 સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી કેર હોસ્પિટલને કોવિડના દર્દીઓની સારવાર માટે મંજુરી આપવામાં આવી છે. આ હોસ્પિટલના સંચાલકો દ્વારા કોવિડના દર્દીઓ માટે મંગાવવામાં આવતા ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલની અંદર વ્યવસ્થા કરવાને બદલે બાજુમાં આવેલ અંબિકા દર્શન સોસાયટીના ગેટ પાસે ઓક્સિજન સિલિન્ડર મુકવામાં આવતા સ્થાનિક લોકોએ ઓક્સિજન સિલિન્ડર ગેટ પાસેથી હટાવવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, હોસ્પિટલના સંચાલકોને પંદર દિવસ પૂર્વે ગેટ પાસેથી સિલિન્ડર દુર કરવા જાણ કરી હતી પણ આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં હોસ્પિટલમાંથી નીકળતાં પાણીનો પણ સોસાયટીના ગેટ પાસે ભરાવો થઇ રહયો છે.
સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સામે કેર હોસ્પિટલ ના ડોક્ટરે જણાવ્યું હતું કે ઓકિસજનના સિલિન્ડરો તત્કાલ ધોરણે દૂર થાય તેમ નથી. હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન નાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ તેમાં સમય લાગી શકે તેમ છે. સોસાયટીનો વ્યાજબી પ્રશ્ન છે. વહેલી તકે દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં રોજના સરેરાશ 50 કરતાં વધારે કોરોનાના દર્દી હોવાથી ઓક્સિજન સિલિન્ડર તત્કાલ દુર કરવા મુશ્કેલ છે.
મોડી રાત્રે સોસાયટીના રહીશોએ ભેગા થઈ હોસ્પિટલ બહાર હોબાળો મચાવતા હોસ્પિટલના સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહયું છે અને મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ભરાયેલી છે ત્યારે હોસ્પિટલોની આસપાસ આવેલી સોસાયટીઓના રહીશોના વિરોધની ઘટનાઓ સામે આવી રહી છે.