વડોદરા: દિવ્યાંગ દંપત્તિ પાસેથી રૂપિયા 6 લાખના માલમત્તાની લૂંટ, વાંચો શું છે મામલો

New Update
વડોદરા: દિવ્યાંગ દંપત્તિ પાસેથી રૂપિયા 6 લાખના માલમત્તાની લૂંટ, વાંચો શું છે મામલો

સુરતથી ઇનોવા કાર ભાડે કરીને કચ્છ જતા દિવ્યાંગ પરિવાર કરજણ નેશનલ હાઈવે 48 પર શુક્રવારે શિવશક્તિ હોટલ નજીક કાર ઉભી રાખીને નાસ્તો કરતા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યા યુવકો આવી ચાકૂ અને એરગન બતાવી ઈનોવા કારમા બેસેલ દિવ્યાંગ દંપતી અને એમના પુત્રએ પેહેરેલ સોનાના દાગીના મળી 6 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. જ્યારે ઈનોવા કારની થોડે આગળ ઉભેલા ટેમ્પો ચાલક અને એની સાથેના માણસને પણ ચાકૂ અને એરગન બતાવી 7500 રોકડા લૂંટી લઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે અજાણ્યા લૂંટારુઓ સામે ગુનો નોધી લૂંટારુનો સ્કેચ બનાવી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

સુરત રાંદેર રોડ પર આવેલ પરસમણી એપાર્ટમેંટમાં રહેતા જમીન દલાલ સંદીપભાઈ વાડીલાલ મહેતા તેઓના વતન ભીમાસર કચ્છ ખાતે દીક્ષા સમારોહમાં ઇનોવા કાર લઈને પત્ની ધર્મિષ્ઠાબેન અને પુત્ર પાવન સાથે જઇ રહ્યા હતા. સંદીપભાઈ અને એમના પત્ની ધર્મિષ્ઠાબેન દિવ્યાંગ હોઇ એમની વ્હીલચેર ખેંચવા માટે બે હેલ્પર ઇશ્વરભાઈ ઠાકોર અને સંગીતાબેન ઠાકોર તેમજ ડ્રાઇવર ધનંજય પણ સાથે હતા.

દરમિયાન કરજણ નેશનલ હાઈવે 48 પર શિવશક્તિ હોટલ પાસે શુક્રવારે સાંજે 6/30 વાગ્યાના અરસામાં કાર ઉભી રાખી તેઓ નાસ્તો કરતા હતા.ત્યારે બાઈક પર બે અજાણ્યા યુવકો આવીને ચાકૂ અને એરગન બતાવી સંદીપભાઈએ પહેરેલ રૂદ્રાક્ષની સોનાની માળા, સોનાની બે વીંટી, એક સોનાની લક્કી તેમજ ધર્મિષ્ઠાબેને પહેરેલ સોનાના પેન્ડલવાળી સોનાની ચેન, 6 નંગ સોનાની વીંટી અને પુત્ર પાવને પહેરેલ સોનાની ચેન, બે વીંટીઓ આમ કુલ મળીને 600000 નો મુદ્દામાલ લૂંટી ગયા હતા. જ્યારે આગળ ઉભેલા ટેમ્પોના ડ્રાઇવર અને એની સાથેના માણસ પાસેથી રોડકા 7500 રૂપિયાની પણ લૂંટ ચલાવી લૂંટારુ ભાગી છૂટ્યા હતા. આમ બે અજાણ્યા લૂંટારુઓએ સમીસાંજે 6,07,500ના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. જિલ્લા એલસીબી પોલીસ અને કરજણ પોલીસે લૂંટારુઓના સ્કેચ બનાવી તપાસ હાથ ધરી છે.

Latest Stories