/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/05142437/VDR-HOSPITAL-BEDARKARI-e1617612893406.jpg)
વડોદરા શહેરના દાંડિયાબજારમાં આવેલ સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું, ત્યારે તબીબી નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ મુકી ભારે હોબાળો મચાવ્યો હતો. તો સાથે જ સારવારનું બિલ ભર્યા બાદ મૃતદેહને આપવાનો પણ પરિવારજનોએ હોસ્પિટલ સામે આક્ષેપ મૂક્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરાના પાણીગેટ જુનીઘઢીમાં રહેતા 35 વર્ષીય હર્ષિદા સોલંકીને 31 માર્ચના રોજ દાંડિયાબજારમાં આવેલ સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગત રવિવારે મોડી સાંજે મોત નીપજ્યું હતું. પરિવારજનોને હર્ષિદા સોલંકીનું મોત થયું હોવાના સમાચાર મળતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, ત્યારે હોસ્પિટલ સામે નિષ્કાળજીનો આક્ષેપ મૂકી પરિવારના સભ્યોએ ભારે હોબાળો મચાવી હોસ્પીટલમાં તોડફોડ કરી હતી. જોકે રોષે ભરાયેલા પરિવારજનોએ કરેલી તોડફોડમાં હોસ્પિટલની ઓક્સિજનની લાઇન પણ તૂટી ગઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કાચ, ફર્નિચર સહિતના સામાનને પણ મોટું નુકશાન પહોચાડ્યું હતું. હોસ્પિટલમાં તોડફોડના પગલે તબીબો અને સ્ટાફ તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેમજ અન્ય દર્દીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
જોકે, રવિવારની મોડી રાત્રે બનેલા બનાવની જાણ થતાં જ એસીપી મેઘા તેવાર તેમજ રાવપુરા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે પોલીસે રોષે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોતને ભેટેલા હર્ષિદા સોલંકીના પતિ જીતેન્દ્ર સોલંકીએ હોસ્પિટલ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા માત્રને માત્ર નાણાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ મારી પત્નીને કોરોના છે કે, નહીં તેવી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. મારી પત્નીને છાતીમાં દુખાવો થતો હતો. મારી પત્નીનું એકાએક મોત કેવી રીતે થયું તે એક મોટો સવાલ છે. મારી પત્નીનું મોત હોસ્પિટલની બેદરકારીના કારણે થયું છે. એસીપી મેઘા તેવારે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દર્દીનું મોત કેવી રીતે થયું તે તપાસનો વિષય છે. પરિવારના જણાવ્યા પ્રમાણે મૃતકને કોરોના હતો કે, નહીં તે અંગેની કોઇ જાણ કરવામાં આવી નથી. તે અંગે પણ તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં તોડફોડ દરમ્યાન ઓક્સિજનની પાઇપ તૂટી જતાં તેને રીપેર કરી દેવામાં આવી હતી. મૃતકના પરિવારજનો અને હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદ દાખલ કરીને ન્યાયિક તપાસ કરવા અંગે પણ એસીપીએ જણાવ્યુ હતું.