વડોદરા : મકરપુરા GIDCમાં અગરબત્તીની ફેકટરી ભડકે બળી, 10 કલાક બાદ પણ આગ બેકાબુ

New Update
વડોદરા : મકરપુરા GIDCમાં અગરબત્તીની ફેકટરી ભડકે બળી, 10 કલાક બાદ પણ આગ બેકાબુ

વડોદરા શહેરમાં એક સપ્તાહથી આગના બનાવો વધ્યાં છે. બુધવારે મળસ્કે મકરપુરા જીઆઇડીસીમાં આવેલી અગરબત્તીની કંપનીમાં આગ ફાટી નીકળી હતી. મળસ્કે લાગેલી આગ કાબુમાં નહિ આવતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ મકરપુરા જીઆઇડીસી ફાયરબ્રિગેડને થતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચેલા લાશ્કરોએ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરનાં તમામ ફાયર સ્ટેશનોમાંથી 15 પાણીના બંબાઓ રવાના કરવામાં આવ્યા હતા.

મકરપુરા જીઆઇડીસીમાં આવેલ 730 નંબરના પ્લોટ સ્થિત પૂજા એન્જિનિયરિંગ કંપનીમાં આગ ફાટી નીકળી હતી, જે પ્રસરીને બાજુમાં આવેલી અગરબત્તીનું ઉત્પાદન કરતી શ્રીજી અગરબત્તી વર્ક્સમાં લાગી હતી. અગરબત્તીની કંપની હોવાને કારણે આગે જોતજોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 35થી વધારે લાશ્કરો કંપનીમાં લાગેલી આગ બુઝાવવાના કામે લાગ્યાં છે.

વડોદરા શહેરમાં એક સપ્તાહમાં આગના બનાવો વધ્યાં છે. અત્યાર સુધીમાં નાગરવાડા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં, વાઘોડીયા જીઆઇડીસીની કંપનીમાં તથા વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં મોબાઇલ ટાવરમાં તથા ખોડીયાર નગરમાં પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગવાના બનાવો બની ચુકયાં છે. મોટાભાગની આગની ઘટનાઓ માટે શોર્ટ સર્કિટને જવાબદાર ગણાવવામાં આવી રહયું છે.

Latest Stories