વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં 14 તારીખથી ઓનલાઇન પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે પણ બે દિવસથી ઇન્ટરનેટના ધાંધિયાના કારણે કેટલાક પરીક્ષાર્થીઓ પરીક્ષા ન આપી શકયાં હોવાની વિગતો સપાટી પર આવી છે.
વડોદરાની વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 14 ડિસેમ્બરથી ઓન લાઇન પરીક્ષાની શરૂઆત થઇ છે. પરંતુ ઓન લાઇન પરીક્ષાના બીજા જ દિવસે ઇન્ટરનેટ કનેક્ટીવીટીનો પ્રશ્ન સર્જાતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ન શકતા યુનિવર્સિટીના વિવિધ સંગઠનો દ્વારા હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતાં અને પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે,જ્યાં સુધી અમારી માંગણી સ્વિકારવામાં નહિં આવે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે. આમ છતાં યુનિવર્સીટી દ્વારા પોતાનો નિર્ણય નહિં બદલે તો યુનિવર્સીટીને તાળા બંધી કરી દેવા સુધીનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.સમગ્ર વિવાદ સંદર્ભમાં યુનિવર્સિટી રજિસ્ટ્રારે ગ્લોબલ ઇન્ટરનેટ કનેક્ટીવીટીના કારણે સમસ્યા સર્જાઇ હોવાનો બચાવ કર્યો હતો.