વડોદરા: કોરોનાનું સંક્રમણ વધતાં ગ્રામજનો દ્વારા સ્વયંભૂ લોકડાઉન; જાણો વધુ

New Update
વડોદરા: કોરોનાનું સંક્રમણ વધતાં ગ્રામજનો દ્વારા સ્વયંભૂ લોકડાઉન; જાણો વધુ

વડોદરા નજીક સેવાસી ગામની બાજુમાં આવેલા ખાનપુર ગામમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 47 કેસો આવતા ગ્રામજનો દ્વારા સ્યંમભૂ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યુ છે. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા ગામની બહાર ચેતવણી આપતી નોટીસ મૂકી દેવામાં આવી છે. 

કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓ તેમજ મહાશિવરાત્રી પછી કોરોનાના કેસોમાં વિસ્ફોટ થયો છે, જેમાં વડોદરા પણ બાકાત રહ્યું નથી. વડોદરાની સાથોસાથ આસપાસના ગામોમાં પણ કોરોનાએ ફરી માથું ઉચકતાં હાહાકાર મચી ગયો છે. વડોદરામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય વિભાગ કોરોનાને કાબુમાં લેવા માટે ધરાર નિષ્ફળ પુરવાર થયું હોય તેમ લાગી રહ્યું છે. પ્રતિદિન વધી રહેલા ચિંતાજનક કેસોને પગલે ગ્રામજનો દ્વારા હવે સ્વયંભૂ લોકડાઉનની શરૂઆત કરી દેવામાં આવી છે. વડોદરા નજીક સેવાસી ગામની બાજુમાં આવેલા ખાનપુર ગામમાં કોરોનાના 47 આવતાં હાહાકાર મચી ગયો છે. જેમાં ખાનપુર ગામના પટેલ ફળિયામાં કોરોનાના સૌથી વધુ કેસો આવતા ગામની બહાર તા.12 માર્ચથી તા.25 માર્ચ દરમિયાન લોકડાઉનની જાહેરાત કરતી નોટિસ ગ્રામ પંચાયત દ્વારા મુકી દેવામાં આવી છે.

publive-image

આ ઉપરાંત ગામમાંથી બહાર જતાં અને બહારથી ગામમાં  આવતા લોકો પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે અને ગામની અંદર સેનેટાઈઝ, જંતુનાશક દવાનો છંટકાવ સહિતના કોરોનાને કાબુમાં લેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ ખાનપુર ગામમાં કોરોનાનો વિસ્ફોટ થતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે અને ઘરે ઘરે સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે.તો સાથે જરૂરી દવા  આપવામાં આવી રહી છે.

ખાનપુર ગામમાં આવેલા કેસો પાછળ તાજેતરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીઓ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ વિજેતા થયેલા ઉમેદવારોના સરઘસ નીકળ્યા હતા. જે સરઘસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સરઘસમાં જોડાયેલા લોકો કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન જાળવવાનું પણ ભાન ભૂલી ગયા હતા. ત્યારે આવનારા દિવસોમાં ખાનપુર ગામની જેમ અન્ય ગામોમાં પણ કોરોનાના કેસો માથું ઊચકે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં પણ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરો ઉપર કોરોનાની તપાસ કરવા માટે સવારથી જ લાંબી કતારો લાગી રહી છે. બીજી બાજુ વેકસીન માટે પણ લોકોની કતારો લાગી રહી છે. તંત્ર દ્વારા હજુ પણ કોરોનાને કાબુમાં લેવા માટે ઘનિષ્ઠ પગલાં ભરવામાં નહીં આવે તો સમગ્ર શહેર જિલ્લામાં કોરોના જીવલેણ પુરવાર થાય તેવી દહેશત લોકોને વર્તાઇ રહી છે.