વડોદરા : મોતનો મલાજો પણ ન જળવાયો, મૃતદેહને લારીમાં લઈ જવો પડ્યો

New Update
વડોદરા : મોતનો મલાજો પણ ન જળવાયો, મૃતદેહને લારીમાં લઈ જવો પડ્યો

વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસોના પગલે શહેરના માર્ગો ઉપર વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા પરિવારને મૃત્યુ પામેલ સ્વજનનો મૃતદેહ અંતિમ સંસ્કાર કરવા માટે લારીમાં લઇ જવાની ફરજ પડી હતી.

 મળેલી માહિતી પ્રમાણે શહેરના નાગરવાડા શાક માર્કેટ પાસે રહેતા પરિવારમાં ૬૫ વર્ષીય વૃદ્ધાનુ કુદરતી અવસાન થયું હતું. પરિવારજનો દ્વારા વડોદરામાં એમ્બ્યુલન્સ તેમજ શબવાહિનીની સેવા પૂરી પાડતી સરકારી એજન્સીઓ તેમજ સંસ્થાઓમાં સંપર્ક કર્યો હતો. પરંતુ વડોદરા શહેરમાં કોરોનાના ચાલી રહેલા કહેરના કારણે એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સ્મશાન સુધી લઈ જવા તેમજ કોરોનાગ્રસ્ત ગંભીર  દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે વ્યસ્ત હોવાના પગલે નાગરવાડાના પરિવારને એમ્બ્યુલન્સ કે શબવાહિની મળી ન હતી.

 પરિવારજનો દ્વારા સ્વજનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સ કે શબવાહિનીની વ્યવસ્થા ન થતા આખરે લારીમાં મૃતદેહને મૂકી સ્મશાન યાત્રા કાઢી હતી.

 નાગરવાડાથી એક થી દોઢ કિલોમીટર દૂર આવેલ ખાસવાડી સ્મશાનમાં લારીમાં લઈ જવાતા મૃતદેહની અંતિમ યાત્રાને જોઈ પસાર થતા લોકો પણ હવે હચમચી ઉઠયા હતા. એમ્બ્યુલન્સ ન મળવાના કારણે પરિવારને ૬૫ વર્ષીય વૃધ્ધાનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લારીમાં લઈ જવાની ફરજ પડતા પરિવારજનો પણ દુઃખી થયા હતા. તો બીજી બાજુ લારીમાં નીકળેલી અંતિમ યાત્રા નાગરવાડાથી લઈ ખાસવાડી સ્મશાન સુધીના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.

 ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ઘાતક બનેલા કોરોનાને પગલે તંત્ર પણ લાચાર બની ગયું હોય, તેવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સરકારના પ્રયત્નો ની સામે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તે સાથે કોરોનાના મૃત્યુ દરમાં પણ વધારો થઈ રહ્યો છે. વડોદરાના સ્મશાનમાં જ્યાં કોરોનાના  મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં કેવી સ્થિતિ સર્જાશે તે જોવું રહ્યું.

Latest Stories