તા. 26 ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ
મધ્યસ્થ જેલમાં કેદીઓ પણ આ વર્ષે પરીક્ષાઓ આપશે
સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ વિશેષ વ્યવસ્થાઓ કરાય
ધો. 10 અને 12માં કુલ 14 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે
કેદી પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે મોટીવેટ કરાયા
આગામી તા. 26 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓએ પણ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતાનો ઉત્સાહ બતાવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 26 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓ પણ આ પરીક્ષા આપવાના હોવાથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વર્ષે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધોરણ 10માંથી 8 અને ધોરણ 12માંથી 4 અને દાહોદના 2 કેદી મળી કુલ 14 કેદી પરિક્ષાર્થીઓ પરિક્ષા આપશે, ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ પ્રશાસન દ્વારા કેદી પરિક્ષાર્થીઓ માટે જેલ સંકુલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરીક્ષા આપનાર કેદી પરિક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે તે માટે જેલ અધિકારી દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
જેલ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે, વડોદરા સેન્ટ્રલ જેલમાં બોર્ડની પરીક્ષા આપનાર કેદી પરિક્ષાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ સહિત બેઠક વ્યવસ્થાઓ થઈ ચૂકી છે, અને તેઓ ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે મોટીવેટ પણ કરવામાં આવ્યા છે.