વડોદરાનું એક એવું ગામ કે, જ્યાં ભૂગર્ભ જળના લાલ પાણીના કારણે કોઈ યુવતી પરણીને આવવા પણ રાજી નથી..!

ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ નંદેસરી નજીક અનગઢ ગામના લોકો ભૂગર્ભ જળના કારણે પરેશાન થઈ ઉઠ્યા છે.

New Update
વડોદરાનું એક એવું ગામ કે, જ્યાં ભૂગર્ભ જળના લાલ પાણીના કારણે કોઈ યુવતી પરણીને આવવા પણ રાજી નથી..!

વડોદરા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ નંદેસરી નજીક અનગઢ ગામમાં ભૂગર્ભ જળના લાલ પાણીના કારણે કોઈ લાલ પાનેતર પહેરીને આવવા રાજી નથી, ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ અનગઢ ગામના લોકોની કેવી છે વ્યથા... સાંભળો તેમના જ મોઢે... વડોદરા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ નંદેસરી નજીક અનગઢ ગામના લોકો ભૂગર્ભ જળના કારણે પરેશાન થઈ ઉઠ્યા છે.

દાયકાઓથી અહીંનું ભૂગર્ભ જળ દુષિત થવાના કારણે બોરિંગમાંથી પણ લાલ પાણી આવી રહ્યું છે. જેના કારણે રહીશોએ ટેન્કર મારફતે પાણી મંગાવવું પડે છે. રહીશોએ બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. સ્થાનિકોની વ્યથા છે કે, લાલ પાણીના કારણે અહીં કોઈ યુવતી લાલ પાનેતર પહેરી પરણીને આવવા પણ તૈયાર નથી.

યુવાનો અહીંથી છોડીને અન્યત્ર ઠેકાણે વસવાનું વિચારી રહ્યા છે. વડોદરા જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો આવી રહી છે તે સારી બાબત છે. પરંતુ વિકાસનો ભોગ અનેક લોકો બની રહ્યા છે. આસપાસના 10 કિમીના વિસ્તારના ગામોમાં જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે તો તેમાંથી લાલ કલરનું પાણી નીકળવા માંડ્યું. એટલું જ નહીં તળાવ અને કુવામાં પણ તેની અસર જોવા મળી છે.

વડોદરા જિલ્લાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં દાયકાઓ પૂર્વે કેટલીક બેજવાબદાર કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર સીધુ ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવતું હતું, અને તેના કારણે ભૂગર્ભ જળ અત્યંત દુષિત બન્યા. આ અસર દાયકાઓ બાદ આજે પણ જોવા મળી રહી છે. નંદેસરીને અડીને આવેલ અનગઢ ગામ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો લાલ પાણીના કારણે ખેતીમાં પણ વ્યાપક નુકસાન વેઠી રહ્યા છે.

જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે ત્યાં લાલ દુષિત પાણી નીકળવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોની વેદના છે કે, અહીં કોઈપણ યુવતી લગ્ન કરીને આવવા રાજી નથી. કારણ કે, પીવાના પાણીની સમસ્યાના કારણે તેઓએ દૂર સુધી બેડા લઈને પાણી ભરવા જવું પડે છે, ત્યારે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ભૂગર્ભ જળમાં સુધારો કરવાના પ્રયાસો કરાય તેવી માંગ ઉઠી છે.

Latest Stories