Connect Gujarat
વડોદરા 

વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં યોજાશે સિટીવોક મેરેથોન, વાંચો વધુ..!

વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની "વસુધૈવ કુટુમ્બકમ્"ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-2023નું યજમાન ભારત બન્યું છે.

વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં યોજાશે સિટીવોક મેરેથોન, વાંચો વધુ..!
X

વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની "વસુધૈવ કુટુમ્બકમ્"ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-2023નું યજમાન ભારત બન્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં G- 20 સમિટની મહત્વની 16 ઇવેન્ટ યોજાઈ રહી છે.

સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભ આશયથી G-20 સમિટ વર્ષ- 2023ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ જુદા જુદા કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા ઝોનના પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ વડોદરા ઝોનની 26 નગરપાલિકાઓમાં આગામી તા. 21 ફેબ્રુઆરીના રોજ સવારે સાડા આઠ વાગ્યે G-20 સિટિવોક (મેરેથોન) નગરપાલિકા વિસ્તારમાં 4 કિ.મી.ના રૂટ પર યોજવામાં આવશે. આ G-20 સિટિવોક (મેરેથોન)માં નગરપાલિકા વિસ્તારના મંત્રીઓ, સંસદસભ્ય, ધારાસભ્યો, પ્રમુખ તેમજ અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓ તથા નગરપાલિકાના નાગરિકો ભાગ લેશે. આ ઉપરાંત સ્થાનિક કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. નગરપાલિકા વિસ્તારની શાળાઓ, કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, મહિલા મંડળો, સખી મંડળો, ખાનગી સંસ્થાઓ વગેરે પણ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. NCC તથા NSS જેવી સંસ્થાઓ પણ તેમાં જોડાશે.

આ અંગે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરાના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, હાલ G-20 સમિટ-2023નું યજમાન ભારત દેશ બન્યું છે, ત્યારે આ અંગેની માહિતી લોકો સુધી પહોંચે તથા સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં અને રાજ્યમાં યોજાનાર આ વિવિધ કાર્યક્રમો અંગે લોકોને જાણકારી મળી રહે તે ધ્યાને લઇ વડોદરા ઝોનના વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર તથા પંચમહાલ એમ 6 જિલ્લાની મળી કુલ 26 નગરપાલિકાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સમગ્ર વર્ષ દરમિયાન જુદાં-જુદાં માસમાં વોર્ડ મિટિંગ, ભીંત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે. આયોજન કરવામાં આવનાર જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ/નાગરિકોને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

Next Story