/connect-gujarat/media/post_banners/46492a74b93656d6a5ff990234d62308af8dc9d86f73a7ed09ba07683986a267.webp)
આજે મહાશિવરાત્રીના પાવન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેરના હ્રદય સમાન સૂરસાગર તળાવ મધ્યે વિદ્યમાન શ્રી સર્વેશ્વર મહાદેવની 17.5 કિલો સુવર્ણથી જડિત 111 ફૂટ ઉંચી દિવ્ય-ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તે સાથે તેમણે શિવરાત્રીના પાવન પર્વે હકડેઠઠ મેદની સાથે શિવજી કી સવારીને પ્રસ્થાન કરાવ્યું હતું.
સુપ્રસિદ્ધ શિવાલયો ખાતે સુવિધા ઉભી કરાઇ છે
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ ઉપરાંત શ્રી નાગેશ્વરમાં યાત્રાળુઓ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓની ભૂમિકા આપતા કહ્યું કે, અહીં પ્રવાસીઓ માટે નિવાસીય સુવિધા, વોકવે, સમુદ્ર કિનારનો વિકાસ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
શિવ પરમ મુક્તિનું રૂપ છે
તેમણે જણાવ્યું કે, ભગવાન શિવ આત્મ, કલ્યાણ અને જ્ઞાન સ્વરૂપ તથા પરમ મુક્તિનું રૂપ છે. શિવ એટલે સત્, ચિત અને આનંદ. શિવ અનિષ્ટ સંહારક છે. જ્યારે બ્રહ્માંડમાં કંઇ નહોતું ત્યારે શિવ હતા અને જ્યાં કંઇ નહી હોય ત્યારે ભગવાન શિવ હશે. શિવ બ્રહ્મ છે, અનંત અને શાશ્વત છે. શિવરાત્રી પર્વની ઉજવણીના માધ્યમથી શિવોપસનાથી જીવનને શાશ્વત બનાવીએ, તેમ પણ તેમણે કહ્યું હતું. દાતાઓનુ સન્માન કરવામાં આવ્યું
મુખ્યમંત્રીએ મહાનુભાવો સાથે સૂરસાગર તળાવમાં નૌકાવિહાર કરી ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં સુવર્ણ જડિત પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવી સર્વોના કલ્યાણની મંગલ કામના કરી હતી. તેમણે સભાસ્થળેથી આરતી ઉતારીને આશકા પણ લીધી હતી. આ પ્રસંગે સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનના દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આ વેળાએ ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય અને મેયર કેયુર રોકડીયા, ધારાસભ્ય સર્વ મનીષાબેન વકીલ, શૈલેષ મહેતા, કેતન ઈનામદાર, ચૈતન્ય દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શહેર અગ્રણી ભાર્ગવભાઈ ભટ્ટ, ભાજપ પ્રમુખ ડો. વિજયભાઈ શાહ, ડો. કિરણભાઇ પટેલ પરિવાર ઉપરાંત ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હજારો શ્રધ્ધાળુઓ ઉમટ્યા
શહેરની મધ્યમાં સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં સુરસાગર ફરતે ઉમટેલા શ્રધ્ધાળુઓ દ્વારા પણ લાભ લેવામાં આવ્યું હતું. ભવ્ય રોશની અને હજારો દીવળાઓથી સુવર્ણ જડીત શિવજીની પ્રતિમા દીપી ઉઠી હતી.