વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ તારાજી
પાલિકાના સત્તાધીશોએ આપેલા વાહિયાત નિવેદનો વિરોધ
કોંગ્રેસ દ્વારા સંમેલન સહિત જન આક્રોશ રેલી યોજવામાં આવી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત
ટ્યુબ-બોટ લઈ જન આક્રોશ રેલી યોજી તંત્રને આવેદન આપ્યું
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ પાલિકા તંત્રના સત્તાધીશોએ આપેલા વાહિયાત નિવેદનો સામે કોંગ્રેસ દ્વારા સંમેલન સહિત જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ટ્યુબ અને બોટ લઈને જન આક્રોશ રેલીમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.
તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક પરિવારો તેમજ મકાનો, વાહનો ઉધ્વસ્ત થયા હતા. સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડવામાં ન આવતા પોતાની વેદનાને વાચા આપવા કોંગ્રેસ અસરગ્રસ્તોના વ્હારે આવી છે. જેમાં કોંગ્રેસના આગેવાનો સહિતના કાર્યકરોએ પૂરપીડિતોને સહાય મળે તે માટે જન આક્રોશ રેલી યોજી હતી.
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ તેમજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનીક તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક ઉદબોધન સર સયાજીનગર ગૃહ ખાતે મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ત્યાંથી જ પગપાળા વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે જન આક્રોશ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલ હાસ્યસ્પદ નિવેદનને સામે જવાબ આપવા માટે કોંગ્રેસના આગેવાનો બોટ તેમજ ટાયર લઈને વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પૂરની પરિસ્થિતિમાં પોતાનો પ્રાણ ગુમાવનાર લોકોને 25 લાખનું વળતર સરકારે આપવું જોઈએ, વિશ્વામિત્રી તેમજ કાંસો ઉપર ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરવા તેમજ કેસડોલ ચૂકવવા સહિતના 21 જેટલા પ્રાથમિક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.