Connect Gujarat
વડોદરા 

"શાહરૂખે કરી નાખી હત્યા" : વડોદરાના શાહરૂખે પ્રેમમાં અડચણરૂપ પ્રેમિકાના સાસુને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધી

X

વડસર બ્રીજ નજીક અંબે એન્કલેવમાં ધોળા દિવસે હત્યા

શાહરૂખે પ્રેમીકાના સાસુને મકાનમાં ઘૂસીને રહેંસી નાખી

હત્યારાને પોલીસે ગણતરીની મીનિટોમાં ઝડપી પાડ્યો

ગતરોજ ગણેશ વિસર્જનમાં વ્યસ્ત પોલીસનો હજી તો માંડ થાક ઉતર્યો જ હતો, ત્યાં તો વડોદરા શહેરના વડસર બ્રીજ નજીક ધોળા દિવસે પ્રેમીએ ઘરમાં ઘૂસીને પ્રેમીકાના સાસુની કરપીણ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગેની મળતી પ્રાથમિક વિગત અનુસાર, વડસર બ્રીજ નજીક આવેલા અંબે એન્કલેવમાં રહેતા દક્ષાબેનના પુત્રના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. જોકે, તેમની પુત્રવધુ અને નવા યાર્ડ ખાતે રહેતા શાહરૂખ નામના વ્યક્તિ વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો.

જેથી શાહરૂખ તેણીના લગ્ન થયા બાદ પણ દક્ષાબેનની પુત્રવધુને હેરાન કરતો હોવાની ફરીયાદ જે તે સમયે માંજલપુર પોલીસ મથકે કરવામાં આવી હતી. તેવામાં આજરોજ શાહરૂખ ફરી એક વખત દક્ષાબેનના ઘરે આવી પહોંચ્યો હતો, જ્યાં તેણે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે પ્રેમીકાના સાસુ દક્ષાબેન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યાને અંજામ આપ્યા બાદ શાહરૂખ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે, બનાવની જાણ થતાં જ માંજલપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તાત્કાલીક હત્યારા શાહરૂખની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગણતરીની મીનિટોમાં જ હત્યારાની ધરપકડ કરવામાં આવી હતી.


Next Story