Connect Gujarat
વડોદરા 

વડોદરાના મેયર તરીકે નિલેશ રાઠોડની પસંદગી, અણધાર્યું નામ આવતા સૌકોઇ ચોંક્યા..!

વડોદરા કોર્પોરેશનમાં મેયરની પસંદગી માટે મળેલી ખાસ સામાન્ય સભામાં મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી.

X

વડોદરા કોર્પોરેશનમાં મેયરની પસંદગી માટે મળેલી ખાસ સામાન્ય સભામાં મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડોદરા મહાનગર સેવા સદનના મેયર તરીકે નિલેશ રાઠોડની પસંદગી કરવામાં આવતા છેલ્લા કેટલાંક સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો.

વડોદરાના મેયર તરીકે અઢી વર્ષની ટર્મ માટે કેયુર રોકડીયાની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ, પાર્ટી દ્વારા ગત વિધાનસભાની ચૂંટણીમાં સયાજીગંજ બેઠક ઉપરથી તત્કાલિન મેયર કેયુર રોકડીયાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. અને તેઓ સારી સરસાઇથી વિધાનસભા ચૂંટણી જીતી ગયા હતા. ચૂંટણી જીતી ગયા બાદ તેઓએ મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. મેયર પદેથી કેયુર રોકડીયાએ રાજીનામું આપ્યા બાદ અઢી વર્ષની પૂરી થતી ટર્મના બાકી રહેલા 6 માસ માટે નવા મેયર માટેની અટકળો શરૂ થઇ ગઇ હતી. છેલ્લા એક સપ્તાહથી રોજ નવા નામો ચર્ચામાં આવી રહ્યા હતા. પરંતુ, પાર્ટી દ્વારા જે નામની ચર્ચા ન હતી. તેવામાં નિલેશ રાઠોડને મેયર તરીકેનું મેન્ડેડ આપ્યું હતું. વડોદરા મહાનગર સેવા સદનમાં મેયરની નિમણૂંક માટે વિશેષ સભા બોલાવવામાં આવી હતી. સભામાં નિલેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવતા કાઉન્સિલરો સહિત સૌકોઇ ભાજપા કાર્યકરો ચોંકી ઉઠ્યા હતા. નિલેશ રાઠોડની નિમણૂંકની જાહેરાત થતાં જ અટકળોનો અંત આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, નિલેશ રાઠોડ વોર્ડ નંબર 17ના કાઉન્સિલર છે. અને તેઓ સતત 2 ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવે છે. અગાઉ પક્ષ દ્વારા પક્ષના નેતા તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યારે હવે તેઓની આગામી 6 માસ માટેના મેયર તરીકેની પસંદગી કરવામાં આવતા વોર્ડના કાર્યકરો દ્વારા આતશબાજી કરીને નિમણૂંકને વધાવી લેવામાં આવી હતી.

Next Story