Connect Gujarat
વડોદરા 

વડોદરા: હરિધામ સોખડા વિવાદમાં પ્રબોધ સ્વામી સહિતના 250 સંતો-સાધકોએ હરિધામ છોડ્યું

સોખડાના ગાદીપતિનો વિવાદ પ્રબોધ સ્વામી સહિતના સાધકોએ હરિધામ છોડયું હરિધામ પોલીસ છાવણીમાં ફેરવાયું

X

સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થા હરિધામના ગાદીપતિ માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદમાં આખરે જે શંકા હતી તે સાચી ઠરી હતી. પ્રબોધ સ્વામીએ હરિધામ છોડવાનો નિર્ણય લઇ લેતા ખળભળાટ મચી ગયો હતો. આજે અઢીસો જેટલા સંતો-સાધકોએ હરિધામ છોડ્તા ભક્તો ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

વડોદરા શહેરનાં સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુ વકર્યો છે. યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામ પર વર્ચસ્વની આ લડાઈ દિવસે દિવસે તેજ બની રહી હતી. જેમાં મહિલા સાધકો અને મહિલા સત્સંગી મંડળો દ્વારા પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા હતા. ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. તેવામાં આજે પ્રબોધ સ્વામી સહિત હરિધામમાં નિવાસ કરતા 200થી 250 જેટલા સંતો-સાધકો કામરેજ ભરથાણ ખાતે આવેલી આત્મીય સ્કૂલ ખાતે જવા રવાના થયા હતા.

આ દરમિયાન સોખડા ધામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ તરફથી તકેદારી રાખવામાં આવી હતી. પ્રબોધ સ્વામી જૂથના સંતોએ હરિધામ છોડતા તેમના સંત ભક્ત અને સમર્થકોમાં નિરાશા વ્યાપી હતી અને ચોધાર આંસુએ રડ્યા હતા. તો બીજી તરફ પ્રભુ સ્વામીના એક સમર્થક દ્વારા હાઇકોર્ટમાં સમગ્ર પ્રકરણ અંગે હેબિયસ કોપર્સ પિટિશન દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ દિવાળીપુરા કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરાતા પ્રબોધ સ્વામી જૂથના સંતો અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story