/connect-gujarat/media/post_banners/bde6b945be71ba78f695e66520dd15153be6f843331dd0b3f3c5df8710d5a544.webp)
ગેરરીતિની શંકા જતા મધ્યરાત્રીએ સસ્તા અનાજની દુકાન સીલ કરાઇ
- વડોદરાશહેરની 12 જેટલી દુકાનોમાં તાજેતરમાં ગેરરીતિ ઝડપાઇ હતી
- મધ્યરાત્રીએ કરવામાં આવેલી કાર્યવાહીએ અનેક તર્ક વિતર્ક સર્જ્યા
- ગરીબોના હક્કનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવશે તેવી બાતમી મળી હતી!
શહેરમાં અનેક સ્થળે સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોને મળનારૂ હકનું અનાજ બારોબાર સગેવગે થતું હોવાની ફરિયાદો વારંવાર ઊઠવા પામી હતી. જેમાં તાજેતરમાં વડોદરા શહેરની એક કથીત સિન્ડિકેટની બાર જેટલી દુકાનોમાં વારંવાર ગેરરીતી ઝડપાઈ હતી. તેમ છતાં આ તમામ સસ્તા અનાજના પરવાનેદારો ઉપર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જ્યારે મોડે મોડે જાગેલા પુરવઠા તંત્ર દ્વારા મધ્યરાત્રીએ શહેરના સનફાર્મા રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાનને સીલ કરી દઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને સસ્તા અનાજ તેમજ મફત અનાજની જાહેરાતો કરી હજારો કરોડોનું આંધણ કરવામાં આવે છે ત્યારે આ સસ્તા અનાજના જથ્થાને કેટલાક અનાજ માફિયાઓ દ્વારા બારોબાર ખાનગી મિલમાં સગેવગે કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. થોડા સમય અગાઉ વડોદરા શહેરની 12 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં દસ્તાવેજી પુરાવા સાથેની ગેરરીતી સામે આવી હતી. જે ગેરરીતિ સામે પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ મનાતું હતું. જોકે લાંબા સમયથી રાજકીય પીઠબળ હોય કે અધિકારીઓનો પીઠબળ, આ બારેય દુકાનો સામે કોઈ કાર્યવાહી થતી ન હતી.
જ્યારે આજે એકાએક શહેરના સનફાર્મા રોડ પર આવેલી 12 પૈકીની શંકાસ્પદ સસ્તા અનાજની દુકાન પર મધ્યરાત્રીએ પુરવઠા નિરીક્ષકો દ્વારા દુકાન સીલ કરી દઈને તપાસ શરૂ કરતાં અનાજ માફિયાઓમાં ખળભળાટ બચી ગયો છે.
ગત રાત્રિના સમયે પુરવઠા નિરીક્ષકો દ્વારા સનફાર્મા રોડ પરની દુકાનના પરવાનેદાર તૈલી બંસીલાલ ભગવાનલાલની દુકાન પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે દુકાનદાર હાજર નહીં મળી આવતા અને વડોદરાની બહાર હોવાનું જણાવી સ્થળ પર નહીં આવતા પુરવઠા નિરીક્ષકો દ્વારા સસ્તા અનાજની બે દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.આ દુકાનો પર જ્યાં સુધી પુરવઠા અધિકારીઓ તપાસ માટે નહીં આવે ત્યાં સુધી દુકાન ન ખોલવા કે સીલ ન ખોલવાના આદેશો આપવામાં આવ્યા છે.