Connect Gujarat
વડોદરા 

વડોદરા : રિક્ષાચાલકનો સેવાયજ્ઞ, 'ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ' થકી 500થી વધુ લોકોના જીવ બચાવ્યા...

સંસ્કારી નગરી વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારમાં રહેતા રિક્ષાચાલકે ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ શરૂ કરી

X

સંસ્કારી નગરી વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારમાં રહેતા રિક્ષાચાલકે ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ શરૂ કરી અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના જીવ બચાવી અનોખો સેવાયજ્ઞ પૂરો પાડ્યો છે.

વડોદરા શહેરનું સંસ્કારી નગરી નામ એમ જ નથી પડ્યું. અહી શહેરીજનોના સંસ્કારથી વડોદરા ઓળખાય છે. શહેરમાં ઇમર્જન્સી સેવા તો ઘણી ઉપલબ્ધ છે. છતાં પણ ઘણી વખત એ ઇમરજન્સી સેવાનો લાભ શહેરીજનો લઈ શકતા નથી. જેને પગલે વડોદરા શહેરના રીક્ષાચાલક અતુલ ઠક્કરે પોતાની રિક્ષાને જ ઇમર્જન્સી સેવા માટે ઉપલબ્ધ કરી છે. રિક્ષાચાલક અતુલ ઠક્કર હાલ વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારની અક્ષર રેસિડેન્સીમાં રહે છે. આજથી 11 વર્ષ પહેલાં તેઓ વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા હતા. 18 જાન્યુઆરી, 2011ના રોજ તેમનાં પત્ની પ્રીતિ ઠક્કરની તબિયત અચાનક જ લથડી હતી. જોકે, બદનસીબે એ દિવસે અતુલભાઇની રિક્ષામાં પંચર પડ્યું હતું, અને 108 એમ્બ્યુલન્સ પણ સમસયર પહોંચી શકે તેમ નહોતી. જેથી અતુલભાઇ રિક્ષાની શોધમાં એક કિ.મી. સુધી દોડ્યા હતા.

અતુલભાઇ તેમની પત્નીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે રિક્ષાચાલક સમક્ષ કરગર્યા હતા. જોકે, છેવટે રિક્ષાચાલક 100 રૂપિયામાં હોસ્પિટલ આવવા માટે તૈયાર થયો હતો. જેથી રિક્ષામાં બેસાડીને પત્નીને હોસ્પિટલ સુધી પહોચાડી હતી. આ સમયે તેમનાં પત્નીને 3 દિવસ ICUમાં રાખવા પડ્યા હતા. જોકે, સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતાં તેમની પત્નીને યોગ્ય સારવાર મળી શકી નહોતી, જેથી તેમનાં પત્ની પ્રીતીબેનનું હૃદય માત્ર 35 ટકા જ કામ કરે છે. જો એ દિવસે સમયસર સારવાર મળી ગઈ હોત તો આજે પ્રીતીબેનનું સ્વાસ્થ્ય સારું હોત. ત્યાર બાદ પત્નીની હાલત જોઈ અતુલ ઠક્કરે 'ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ' શરૂ કરી, અને હવે 'ફ્રી કાર એમ્બ્યુલન્સ' શરૂ કરી છે. જેથી દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય. જરૂરિયાતમંદો માટે 'ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ' શરૂ કરાતા આજ દિન સુધી પ્રેગનન્ટ મહિલાઓ સહિત 1 હજારથી વધુ લોકો આ સેવાનો લાભ લઇ ચૂક્યા છે.

રીક્ષા ચાલક અતુલ ઠક્કર રાત્રિ દરમિયાન 'ફ્રી કાર એમ્બ્યુલન્સ' ચલાવે છે. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે ફ્રી સેવા આપે છે, ત્યારે અનેક લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડીને અતુલભાઇએ તેમના જીવ બચાવ્યા છે.

Next Story