/connect-gujarat/media/post_banners/a936f2639ce2e6032263af3064dae43984edfd3e770365849ad42206d67266e8.webp)
વડોદરા શહેરમાં આસ્થા ફાઉન્ડેશનના નેજા હેઠળ પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળા ચલાવવામાં આવી રહી છે, જ્યાં સ્પેશ્યલી એબલ્ડ બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે રીંકું રાજપૂત છેલ્લા 10 વર્ષથી સામાજિક સેવા આપી રહી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી યુવતી છેલ્લા 10 વર્ષથી સતત દિવસ-રાત સામાજિક સેવા કરી રહી છે. આસ્થા ફાઉન્ડેશનના નેજા હેઠળ ચલાવવામાં આવતી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના ફાઉન્ડર રીંકું રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 2010 માં મારા પિતા મદન રાજપૂત દ્વારા સ્પેશ્યલી એબલ્ડ બાળકો માટે શાળા શરૂ કરવામાં આવી હતી. જે સમયે હું ME ઇલેક્ટ્રિકલનો અભ્યાસ કરી રહી હતી. વર્ષ 2014માં મારો અભ્યાસ પૂર્ણ થયો, અને વર્ષ 2015થી હું સ્પેશ્યલી એબલ્ડ બાળકોની કાળજી લેવા લાગી છું. હાલમાં પરિવર્તન સ્કુલમાં 60 સ્પેશ્યલી એબલ્ડ બાળકો અભ્યાસ કરે છે, અને હોમ બાઉન્ડ પ્રોગ્રામ અંતર્ગત 15 સ્પેશ્યલી એબલ્ડ બાળકોને તેઓના ઘરે જઈને સ્પેશ્યલી એજ્યુકેટર દ્વારા ભણાવવામાં આવે છે. આ સાથે તેઓને ડાન્સ, સ્પિચ અને ફિઝિયોથેરાપી પણ આપવામાં આવે છે. સ્પેશ્યલી એબલ્ડ બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય તે માટે તેઓને ખાસ પ્રકારની વોકેશનલ થેરાપી પણ આપવામાં આવે છે. આ સાથે બાળકોને પેપર બેગ અને ફાઈલ બનાવવાની તાલીમ આપી આત્મનિર્ભર બનાવાય છે. ઉલ્લેખનીય છે કે, સ્પેશ્યલી એબલ્ડ બાળકો માટે શિક્ષણ, વોકેશનલ તાલીમ, મેડિકલ સહાય, જમવાનું અને યુનિફોર્મ, સ્કુલબેગ, સ્ટેશનરી, બુટ-ચંપલ જેવી વસ્તુઓ સાથે મહિનામાં એક વાર ખાસ પ્રવાસનું પણ આયોજન કરાય છે.