/connect-gujarat/media/post_banners/295a48ddd63fd0b50c1091bda4ca81035fb16fb10be0df3097b236bd9e9b54dd.jpg)
"કોઈપણ વ્યવસાય હોય તેની માટે ઉંમરનો બાંધ હોતો નથી, કોઈપણ ઉંમરમાં તમે તમારી આવડતને બહાર કાઢી શકો છો", આ વાક્યને વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ગૃહિણીએ સાર્થક કરી બતાવ્યુ છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી ગૃહિણી પોતાનો બિઝનેશ શરૂ કરી પોતાની જાતને પરિવાર માટે સમર્પિત કરી બતાવી છે.
આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, અને વડોદરા શહેર ઓળખાય છે ગરબા માટે. જેથી ગોત્રી વિસ્તારમાં રહેતી ગૃહિણી બેલા તેવરને વિચાર આવ્યો કે, હું મારી આવડતથી નવરાત્રીમાં લોકો માટે ચણીયા ચોળી ડિઝાઇન કેમ ન કરું. બાળપણથી જ એમને ડ્રોઈંગ કરવાનો ખૂબ શોખ છે, અને સાથે સાથે તેમની માતા પણ સિવણનું કામ કરતા. એ વિચારથી બેલાબેનને વિચાર આવ્યો કે, હું મારા ઘરના લોકો માટે તો લગ્ન પ્રસંગે કપડાં સીવું જ છું,
તો હવે આ શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરું. ઉદ્યોગસાહસિક બેલાબેને 6 મહિના પહેલા નવા વ્યવસાયની શરૂઆત કરી. સૌપ્રથમ તો તેમણે બજારમાં શું ચાલી રહ્યું છે, એ જાણ્યું, યુથને કેવી ડિઝાઇન ગમે છે, એનો સર્વે કર્યો, ત્યારબાદ તેમણે અલગ અલગ શહેરોના બજારોમાં ફરીને લોકોને ગમે એવું મટીરીયલ લઈ આવ્યા. તદુપરાંત બેલાબેને પોતાની સાથે સાથે અન્ય 7 મહિલાઓને રોજગારી પણ આપી છે. આ તમામ મહિલાઓ એકત્રિત થઈને ચણીયા ચોળી બનાવવાનો વ્યવસાય આગળ ધપાવી રહ્યા છે.
જોકે, ચણીયા ચોળીની ડિઝાઇનની વાત કરવામાં આવે તો, મિક્સ એન્ડ મેચ કરીને ચણીયા ચોળી તૈયાર કરવામાં આવે છે. જેથી કરીને દેખાવે ખૂબ જ સુંદર અને પહેરવામાં અનુકૂળ રહે તેમ તૈયાર કરી આપવામાં આવે છે. ખાસ એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે, આજે ચણિયા ચોળી છે એ ફક્ત નવરાત્રીના 9 દિવસ પૂરતી જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન આવનારા પ્રસંગોમાં પણ પહેરી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આજે ચણિયા ચોળીમાં કોટન, રિયોન, મસલીન કોટનના કાપડ વાપરવામાં આવે છે. અત્યાર સુધી 35 અલગ અલગ ડિઝાઇન એક પણ ડિઝાઇન રિપિટ ન થાય એવા ચણિયાચોળી બનાવ્યા છે. શહેરીજનોને જેવી ડિઝાઇન જેવો કલર જોઈતો હોય તે પ્રકારે ચણીયા ચોળી બનાવી આપવામાં આવે છે.
મધ્યમ વર્ગીય લોકો ડિઝાઇનર કપડા પહેરી શકે એ હેતુથી ખાસ આ વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં ફક્ત મહિલાઓ માટે ચણિયા ચોળી બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ જેમ જેમ લોકોનો સાથ સહકાર સારો મળતો રહેશે, એમ નાના બાળકો તથા પુરુષો માટે પણ ટ્રેડિશનલ ડ્રેસ બનાવવાની વિચારસરણી ચાલી રહી છે. જોકે, ગૃહિણીએ તૈયાર કરેલ તમામ ચણિયા ચોળીને સોશિયલ મીડિયા એપ "Mayne_creations" પર જોઈ શકાય છે.