/connect-gujarat/media/post_banners/53a18f5584d1fb49367b9792e488bd6d9b0010a1ddcb378801da59c5ac8155b8.webp)
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમે વડોદરાના નવા કોટંબી સ્ટેડિયમ પર પ્રેક્ટિસની શરૂઆત કરી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટની યજમાની માટે થનગની રહેલું વડોદરાનું નવું ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બનીને લગભગ તૈયાર છે.વડોદરા શહેરથી 10 કિ.મી.ના અંતરે હાલોલ હાઇવે પર કોટંબી ખાતે નિર્માણ પામેલ આ અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ તેની પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચની રાહ જોઇ રહ્યું છે.જો કે, ઇન્ટરનેશનલ કે આઇપીએલની મેચ મળે તે પહેલાં આ મોર્ડન ક્રિકેટ સ્ટેડિયમ જાણીતી ફ્રેન્ચાઇઝી અને વર્તમાન આઇપીએલ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની યજમાની કરી રહ્યું છે.સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમે વડોદરાનાં આ નવાં બનેલાં સ્ટેડિયમને આઇપીએલની આગામી સિઝન માટે પ્રેક્ટિસ કરવા પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવ્યું છે.હેડ કોચ આશિષ નહેરાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સનાં ખેલાડીઓએ વડોદરાનાં આ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જે માટે ગુજરાત ટાઇટન્સનાં જાણીતાં ક્રિકેટરો રાહુલ તેવટિયા, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, પ્રદીપ સાંગવાન, અભિનવ મનોહર, સાઇ કિશોર, જયંત યાદવ, યશ દયાલ સહિતનાં ક્રિકેટરો વડોદરા આવ્યાં છે અને કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી આગામી આઇપીએલ સિઝન માટે પોતાને તૈયાર કરી રહ્યાં છે.જો કે, હાર્દિક પંડ્યા, શુભમન ગીલ, મોહમ્મદ શામી, કે એસ ભરત જેવાં સ્ટાર ક્રિકેટરો હાલ ભારતીય ટીમ સાથે જોડાયેલા હોવાથી તેઓ વડોદરામાં પ્રેક્ટિસ માટે ટીમ સાથે જોડાયાં નથી.