/connect-gujarat/media/post_banners/113087513e0fc9f45aa479b87c47c21b084c01b575d021b3e894e868dc755364.webp)
વડોદરા શહેરમાં આજે બપોરના સમયે ઘર આંગણે રમી રહેલ એક બાળકનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિકો દોડી આવ્યા હતા, જ્યાં બાળકનું અપહરણ કરવા એક કપડું અને રસ્સી જેવી વસ્તુ સાથે લઈને આવેલ ઈસમને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો આ ઈસમને સીટી પોલીસના હવાલે કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના આવેલ યાકુતપુરા ખાતે આઈશા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના બાળક ઘરની બહાર લોબીમાં અન્ય બાળકો સાથે રમી રહ્યાં હતા, તે સમયે એક અજાણ્યો ઈસમ એપાર્ટમેન્ટમાં ઘૂસી આવ્યો અને લોબીમાં રમી રહેલ બાળકીનો હાથ પકડી અપહરણ કરી ભાગવાનો પ્રયાસ કરતા પરિજનોએ બુમો પાડતા આસપાસના લોકો દોડી આવી સ્થાનિકોએ અજાણ્યા ઈસમને ઝડપી પાડ્યો હતો.
અજાણ્યા ઈસમે લોકોને આવતા જોઈ ભાગવાનો પ્રયાસ કરતા સ્થાનિકોએ તેને ઝડપી પાડી બાળકોનું અપહરણ કરવા આવ્યો હોવાની આશંકા રાખી મેથીપાક ચખાડ્યો હતો. ઉપરાંત તેની પાસે રહેલ સામનની સ્થાનિકો દ્વારા તપાસ કરવામાં આવતા એક કપડું અને રસ્સી જેવી વસ્તુ મળી આવી હતી. સ્થાનિકોએ અજાણ્યા ઈસમને મેથીપાક ચખાડતા ઈસમ હાથ જોડીને માફી માંગી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે સિટી પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને અજાણ્યા ઈસમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.