Connect Gujarat
વડોદરા 

વડોદરા: જરોદ પોલીસ મથકનો વહીવટદારનો વચેટીયો 70 હજારની લાંચ લેતા ઝડપાયો, વહીવટદાર ફરાર

વડોદરા: જરોદ પોલીસ મથકનો વહીવટદારનો વચેટીયો 70 હજારની લાંચ લેતા ઝડપાયો, વહીવટદાર ફરાર
X

વડોદરા જિલ્લા પોલીસ તંત્રના જરોદ પોલીસ મથકના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી રૂપિયા 70 હજારની લાંચ લેતા વચેટીયા ભરત જયશ્વાલને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ મળી ન આવતા તેની શોધખોળ શરૂ કરી છે. નોંધનીય છે કે, વહીવટદાર નિર્મલસિંહે તાજેતરમાં ગેસ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસે ફરિયાદમાંથી નામ કાઢવા માટે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. એ.સી.બી.માંથી મળેલી માહિતી પ્રમાણે ફરિયાદીએ પોતાનું ગોડાઉન ભાડે આપ્યું હતું.

પરંતુ, ગોડાઉન ભાડે રાખનાર રમેશ બિશ્નોઇ અને પિયુશઓએ ભાડા કરાર કર્યો ન હતો. આથી ફરિયાદીએ ગોડાઉન ખાલી કરાવ્યું હતું. દરમિયાન જરોદ પોલીસે તાજેતરમાં ભણીયારા ગામની સીમમાં ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં રમેશ બિશ્નોઇ અને પિયુશની ધરપકડ કરી હતી. અને તેઓ સામે જરોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જરોદ પોલીસ મથકમાં વહીવટદાર તરીકે કામ કરતા હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહે ગેસ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી રમેશ બિશ્નોઇનું નામ ફરિયાદમાંથી નામ કાઢી નાંખવા માટે ફરિયાદી પાસે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી. જોકે, તડજોડના અંતે રૂપિયા 2.50 લાખ નક્કી થયા હતા. એ.સી.બી. દ્વારા ગોઠવવામાં આવેલા છટકા મુજબ ફરિયાદીએ જરોદ પોલીસ મથકમાં વહીવટદાર તરીકે કામ કરનાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહને બાકીના રૂપિયા 70 હજાર લઇ જવા માટે ફોન કર્યો હતો. વહીવટદાર નિર્મલસિંહે રૂપિયા 70 હજાર લેવા માટે તેના સાગરીત (વચેટીયા) ભરત જયશ્વાલનો સંપર્ક કરવા જણાવતા, ફરિયાદીએ વચેટીયા ભરત જયશ્વાલનો સંપર્ક કર્યો હતો. વચેટીયાએ ફરિયાદીને રૂપિયા 70 હજાર લઇને GF-11,મલ્હાર ફેશન એન્ડ ટેલર દુકાનની સામે, જરોદ ખાતે બોલાવ્યો હતો. ફરિયાદીએ વચેટીયાએ બતાવેલી જગ્યાએ એ.સી.બી.ના પી.આઇ. એ.એન. પ્રજાપતિ અને તેમનો સ્ટાફ વોચમાં ગોઠવાઇ ગયો હતો. દરમિયાન ફરિયાદી પાસેથી જરોદ પોલીસ મથકના વહીવટદાર નિર્મલસિંહના સાગરીત (વચેટીયા) ભરત જયશ્વાલે રૂપિયા 70 હજાર લેતાની સાથેજ વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે તેને દબોચી લીધો હતો. વચેટીયો ઝડપાયા બાદ એ.સી.બી. એ લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. એ.સી.બી.એ જરોદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહ અને વચેટીયા ભરત જયશ્વાલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story