મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
મકરપુરા એસટી ડેપોને માર્યું સીલ
રૂ.1 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી
VMC કડક કાર્યવાહી માટે આવ્યું એક્શનમાં
વેરો ન ભરાતા આખરે ડેપોને તાળાબંધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે આક્રમક વલણ અપનાવતા શહેરના મહત્વના ગણાતા મકરપુરા એસટી ડેપોને સીલ કરી દેવામાં આવ્યું હતું,જેના કારણે સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
વડોદરામાં સરકારી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામસામે આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસૂલાત માટે આક્રમક વલણ અપનાવતા શહેરના મહત્વના ગણાતા મકરપુરા એસટી ડેપોને સીલ કરી દેવામાં આવ્યો છે.
મકરપુરા એસટી ડેપોનો આશરે રૂપિયા 1 કરોડથી વધુનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હતો. VMC દ્વારા આ મામલે અગાઉ અનેકવાર નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં એસટી નિગમ દ્વારા વેરો ભરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હતા.જેના પરિણામે આજે વહેલી સવારે VMCના અધિકારીઓનો કાફલો મકરપુરા ડેપો ખાતે ત્રાટક્યો હતો અને સમગ્ર પરિસરને સીઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.
કોર્પોરેશનની આ અચાનક કાર્યવાહીને પગલે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સવારના સમયે મુસાફરોની ભીડ વચ્ચે ડેપોને સીલ મારી દેવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસોની અવરજવર અને ટિકિટ બારીઓ પર તેની સીધી અસર જોવા મળી હતી.
જોકે, માનવતાવાદી અભિગમ અને મુસાફરોની પડતી ભારે હાલાકીને ધ્યાનમાં રાખીને, આશરે 2 કલાક બાદ ડેપોની પૂછપરછ ઓફિસ અને કેટલાક મહત્વના ભાગોને ફરી ખુલ્લા કરવામાં આવ્યા હતા. પરંતુ VMC એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો બાકી વેરો જલ્દી નહીં ભરાય તો આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે.