વડોદરા : બામણ ગામે મકાન ધરાશાયી થતા એક શ્રમિકનું મોત, 4 લોકોને પહોચી ગંભીર ઇજા...

New Update
વડોદરા : બામણ ગામે મકાન ધરાશાયી થતા એક શ્રમિકનું મોત, 4 લોકોને પહોચી ગંભીર ઇજા...

વર્ષ 2023ના આગમનને આજે ત્રીજા દિવસે વડોદરા જિલ્લાના કરજણના બામણ ગામે આવેલા ફળિયામાં નિર્માણાધીન મકાન ધરાશાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું, જ્યારે 4 ગંભીર ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

Advertisment

નવા વર્ષની શરૂઆતમાં વડોદરા અને સુરતમાં પતંગના દોરાથી ગળું કપાયા બાદ મોતની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે આજે વડોદરાના કરજણમાં નિર્માણાધીન મકાન ધરાશાયી થતા 5 જેટલા શ્રમિકો દટાયાની કરૂણ ઘટના સામે આવી હતી. મામલાની જાણ થતા સ્થાનિકો અને ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને બચાવ કામગીરી હાથ ધરી હતી. બામણ ગામના પટેલ ફળિયામાં મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બપોરના સમયે અચાનક મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. જેને પગલે કામ કરતા 5 જેટલા શ્રમિકો દબાયા હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિકો સ્થળની આસપાસ એકત્ર થઇ ગયા હતા. તથા બચાવ કામગીરી અર્થે કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં 5 પૈકી એક શ્રમિકનું આ ઘટનામાં મોત થયું હતું, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે સ્થાનિકો દ્વારા બેજવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

Advertisment