-
સમગ્ર રાજ્યને હચમચાવી મુકનાર હરણી બોટકાંડ
-
હરણી બોટકાંડને આજે એક વર્ષ થઈ ગયું છે પૂર્ણ
-
સંતાનો ગુમાવનારા પરિવારોનું દર્દ છલકાતું રહ્યું
-
સનરાઇઝ સ્કૂલ નજીક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
-
મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરાય
તા. 18 જાન્યુઆરી-2024ના રોજ વડોદરા શહેરના હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને આજે એક વર્ષ વિતી ચૂક્યું છે, ત્યારે આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકોને ગુમાવનાર પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
તા. 18 જાન્યુઆરી-2024ની નમતી બપોરે હરણી તળાવમાં પ્રવાશે નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસુમ બાળકોની સવાર બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને 2 શિક્ષકાઓ મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મુકનારી આ ઘટનાને આજે એક વર્ષ થઇ ગયું છે. આજે પણ મૃતકોના પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રુજી જાય છે.
આજે પરિવારજનો દ્વારા ન્યૂ સનરાઇઝ સ્કૂલ સામેના ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ 5 મિનિટ મૌન પાળી 14 મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષ, પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતોને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ ચાર રસ્તા સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. તો બીજી તરફ, શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.