Connect Gujarat
વડોદરા 

વડોદરા : રૂ. 36 લાખ લઈને નિકળેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 4 લૂંટારૂઓએ ચલાવી રૂ. 16 લાખની લૂંટ

ધોળે દિવસે ટ્રાફિકથી ધમધમતા રોડ પર કર્મચારીને બુકાનીધારી 4 લૂંટારુઓએ 16 લાખ રૂપિયા લૂંટી લેતા ચકચાર મચી ગઈ

X

આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી લૂંટાતા ચકચાર

રૂ. 36 લાખમાંથી લૂંટારૂઓએ ચલાવી રૂ. 16 લાખની લૂંટ

પોલીસે 15 ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વડોદરા શહેરના ભીમનાથ બ્રિજથી જેતલપુર બ્રિજ જવાના રોડ પર આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી પાસેથી રૂ. 16 લાખની લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. આંગડિયા પેઢીના કર્મચારીની બેગમાં 36 લાખ રૂપિયા હતા. જેમાંથી 16 લાખ રૂપિયા 4 લૂંટારૂઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ એસ.એમ. આંગડિયા પેઢીનો કર્મચારી હરપાલસિંગ જાડેજા 36 લાખ રૂપિયા લઇને મોપેડ ઉપર નિકળ્યો હતો. ધોળે દિવસે ટ્રાફિકથી ધમધમતા રોડ પર કર્મચારીને બુકાનીધારી 4 લૂંટારુઓએ 16 લાખ રૂપિયા લૂંટી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટના સ્થળ વડોદરા પોલીસ ભવનથી માત્ર 500 મિટરના અંતરે જ આવેલુ છે. જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે નાકાબંધી કરીને કાર્યવાહી શરૂ કરી છે.

જોકે, લૂંટારુઓએ 36 લાખમાંથી માત્ર 16 લાખની જ લૂંટ કેમ કરી તે અંગે પણ સવાલો થઈ રહ્યા છે. તો બીજી તરફ, સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમ, પીસીબી, એસઓજી, ડીસીબી અને ઝોન-1 એસલીબીની 16થી 17 ટીમો બનાવીને જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે સીસીટીવી મેળવીને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ટીમો તપાસ કરી રહી છે. જોકે, આરોપીઓએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી, પરંતુ, તેઓ પોલીસ હોય તેવા લાગતા ન હોવાનું આંગડિયા પેઢીના કર્મચારીએ જણાવ્યુ હતું.

Next Story