વડોદરા : રૂ. 15 કરોડના ખર્ચે નિર્માણ પામેલ "વિશ્રામ સદન"નું કેન્દ્રીય ઉર્જા મંત્રીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ

વડોદરા : રૂ. 15 કરોડના ખર્ચે નિર્માણ પામેલ "વિશ્રામ સદન"નું કેન્દ્રીય ઉર્જા મંત્રીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ
New Update

સયાજી હોસ્પિટલમાં દર્દીના પરિજનોને મળશે રાહત

પરિવારજનોને રહેવા 'વિશ્રામ સદન'નું નિર્માણ કરાયું

કેન્દ્રીય મંત્રી આર.કે.સિંઘે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના દર્દીઓના પરિવારજનોને રહેવા માટે રૂ. 15 કરોડના ખર્ચે 'વિશ્રામ સદન' સદન તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી આર.કે.સિંઘે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું.

મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનોને રહેવાની પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા CSR ફંડ હેઠળ રૂપિયા 15 કરોડના ખર્ચે બનાવી આપવામાં આવેલ "વિશ્રામ સદન" કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સિંઘ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં ઉત્તર-પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દીવ-દમણમાંથી દરરોજ 5 હજારથી વધારે દર્દીઓ સારવાર માટે આવે છે, જ્યાં દર્દીઓના પરિવારજનોને રહેવા-જમવા માટે આમ તો અહીં ઈન્દુમતી ઠાકોરભાઈ પટેલ વિશ્રામ ગૃહ તો છે જ, પરંતુ હવે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેના સંબંધીઓ માટે એક નવી સુવિધાનો પ્રારંભ થયો છે. અંદાજિત 15 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત "વિશ્રામ સદન"નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 6માળનાં આ બિલ્ડિંગમાં 235 લોકો રહી શકે એવા 55 રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક ફ્લોર પર એક VIP રૂમ પણ બનાવાવમાં આવ્યો છે, જ્યારે બાકીના 4 રૂમ ડોરમેટ્રી કેટેગરીના છે. જેનો લાભ આજથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગાઓને મળતો થઈ ગયો છે. એટલું જ નહીં, 4200થી વધારે સ્ક્વેરમીટર જગ્યામાં તૈયાર થયેલા આ "વિશ્રામ સદન"ના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે દીપક ફાઉન્ડેશન સાથે MOU કરવામાં આવ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે 66 માણસો જમી શકે તેવો ડાઈનિંગ હોલ છે. પ્રત્યેક માળમાં સ્ત્રી-પુરૂષ ઉપરાંત દિવ્યાંગો માટે પણ અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. શુદ્ધ પાણી માટે આર.ઓ. સાથે વોટર કૂલર, લોકર, લોન્ડ્રી, રિસેપ્શન સેન્ટર, અદ્યતન ફાયર સેફ્ટી, લિફ્ટ, જનરેટર, સર્વિસ કાઉન્ટર, હેલ્પ ડેસ્ક, 24 કલાક સુરક્ષા માટે કેબિન તેમજ દરેક માળ પર ડિજિટલ સાઈન બોર્ડ સહિતની અનેક સુવિધાઓથી વિશ્રામ સદન સજ્જ છે, ત્યારે ગુજરાતની કોઇપણ સરકારી હોસ્પિટલમાં ન બન્યું હોય તેમ હોટલ જેવા જ "વિશ્રામ સદન"માં રહી લોકો પોતાના સ્વજનની કાળજી રાખી શકે છે.

#ConnectGujarat #Vadodara #"Vishram Sadan" #Union Energy Minister #Virtual inauguration
Here are a few more articles:
Read the Next Article