વડોદરા શહેરના સહજ રંગોળી ગૃપ દ્વારા ઇસ્કોન મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે ભવ્ય રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પંચ તત્વની થીમ આધારિત 16 કલાકારો દ્વારા 13 મનોરમ્ય રંગોળી બનાવવામાં આવી છે.
વડોદરા શહેરના સહજ રંગોળી ગૃપની પરંપરા મુજબ દિવાળીના તહેવારો નિમિત્તે પંચ તત્વની થીમ પર કુલ 16 કલાકારો દ્વારા 13 મનોરમ્ય રંગોળી બનાવવામાં આવી છે. કુદરતના પાંચ તત્વ જેમ કે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પર આધારિત રંગોળીઓ તે ઉપરાંત સ્વર્ગસ્થ રતન તાતાને શ્રધ્ધાંજલી આપતી રંગોળી પણ બનાવવામાં આવી છે.
સહજ રંગોળી ગૃપ દર વર્ષે વિવિધ થીમ પર રંગોળી બનાવતું આવ્યું છે, તેમજ વર્ષમાં 2 વખત નિઃશુલ્ક રંગોળી કાર્ય શિબિરનું આયોજન કરી વડોદરાની કલાપ્રેમી જનતાને નિઃશુલ્ક રંગોળી શીખવે છે. જેમા અત્યાર સુધીમાં 5 હજારથી વધું વિધાર્થીઓ રંગોળી શીખી ચુક્યા છે. સહજ રંગોળી ગ્રુપના સ્થાપક કમલેશ વ્યાસએ જણાવ્યું હતું કે, છેલ્લા 8 વર્ષથી ઇસ્કોન મંદિરના પરિસરમાં રંગોળી પ્રદર્શન આયોજિત કરવામાં આવી રહ્યું છે.
પરંતુ સમય જતા હવે રંગોળીના સ્વરૂપમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પોર્ટ્રેટ સ્વરૂપમાં હવે આર્ટિસ્ટ રંગોળી બનાવી રહ્યા છે. આ રંગોળી પ્રદર્શનમાં સ્થાપક કમલેશ વ્યાસ, મીના વ્યાસ, પ્રજ્ઞા બેન્કર, હેત્વી શાહ, પ્રેરણા વ્યાસ, તેજસ પટેલ, રચના સોની, ગૌતમી ચૌહાણ, વનીના જોશી, મીનાક્ષી વાલા, યાત્રા પરીખ, હેતલ પરમાર, હેલી રાણા, પ્રશાંત કાઠેશિયાની રંગોળી પ્રદર્શિત કરવામાં આવી છે.