ગુજરાતભરમાંથી પસંદ થયેલા વડોદરાના 4 કિક બોક્સિંગ પ્લેયર તુર્કીના ઇસ્તંબુલમાં વાકો ઓપન વર્લ્ડકપમાં રમશે, એક ખેલાડીનો તો પુત્ર પણ નેશનલ લેવલે રમે છે.
વડોદરાના 4 કિક બોક્સિંગ પ્લેયરની તુર્કીના ઇસ્તંબુલમાં વાકો ઓપન વર્લ્ડકપમાં રમવા માટે પસંદગી કરવામાં આવી છે. તુર્કીના ઇસ્તંબુલ ખાતે આગામી 18થી 21 મે દરમિયાન ધ તુર્કીસ ઓપન વાકો વર્લ્ડકપ-2023 યોજાનાર છે. જેમાં દેશભરમાંથી કિક બોક્સિંગના 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી 4 ખેલાડીઓની પસંદગી થઈ છે. આ ચારેય ખેલાડીઓ વડોદરાના છે. જેમાં આકાશ ચવાણ, અભિજીતસિંહ સોલંકી, ઇશિતા ગાંધી અને પાવની દયાલનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આજે સવારે આ ચારેય ખેલાડીઓ વડોદરાથી ટ્રેન મારફતે મુંબઇ જવા નીકળ્યા છે અને મુંબઇથી ફ્લાઇટમાં ઇસ્તંબુલ પહોંચશે. વર્લ્ડકપમાં પસંદગી પામેલ ચારેય ખેલાડીઓ ઉત્સાહિત થઈને ઇન્સતાંબુલ જવા માટે નીકળ્યા અને ગર્વની લાગણી અનુભવી હતી. ખેલાડીઓ અભ્યાસ અને વ્યવસાય વચ્ચે પ્રેક્ટિસનો સમય કાઢી સખત પરિશ્રમ કરતાં હતા. તેઓને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતા દેશને ગૌરવ અપાવવાની અને ગોલ્ડ મેડલ જીતવાની આશા વ્યક્ત કરી હતી.