-
શહેર ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાય
-
સેન્સ પ્રક્રિયા દરમ્યાન ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો
-
મહિલા મોરચાના ઉપાધ્યક્ષ-પૂર્વ કોર્પોરેટર વચ્ચે તુ-તું મેં-મેં
-
પૂર્વ કોર્પોરેટરનું સ્ત્રીઓનું અપમાન કરતું નિવેદન : સુનિતા શુક્લ
-
દાવેદારી નબળી પાડવા ખોટા આક્ષેપ કરાયા : ગોપી તલાટી
વડોદરા શહેર ભાજપના પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ પ્રક્રિયા દરમિયાન ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે ભારે તુ-તું મેં-મેં જોવા મળી હતી.
વડોદરા શહેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી યાદવાસ્થળી ચાલી રહી છે. આ જૂથબંધી આજરોજ સેન્સ પ્રક્રિયામાં પણ જોવા મળી હતી. સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં કાર્યાલય પર સોંપો પડી ગયો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય તેવું નિવેદન કર્યાનો આક્ષેપ ઉભો થયો હતો.
ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ સુનિતા શુક્લએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એક મહિલા તરીકે આ ભાજપ કાર્યાલય પર કંઈ બોલવામાં આવે તો મારે બોલવું પડે. આ મામલે હું પ્રમુખ સાથે ચર્ચા કરીશ, અને હાઈકમાન્ડ સુધી પણ આ વાત જશે.
તો બીજી તરફ, પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ જણાવ્યું હતું કે, હું કોઈના વિષે કઈ બોલ્યો નથી. મારા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. હું કોઇ પણ કાર્યકર્તા માટે આ રીતે બોલીજ ન શકું. ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ સુનિતા શુક્લ હોદ્દેદારોનો હાથો બનીને આ કરી રહ્યાં હોવાનો પણ ગોપી તલાટીએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, તેઓની દાવેદારી નબળી પાડવા માટે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું પણ ગોપી તલાટીએ જણાવ્યું હતું.
સમગ્ર મામલે વડોદરા શહેર પ્રમુખે રદિયો આપતા જણાવ્યું હતું કે, ભાજપનું કાર્યાલય એ કાર્યકરો માટે મંદિર છે, ત્યારે અહીં આ પ્રકારની ટિપ્પણી ન કરવી જોઈએ. ભાજપ એ સંસ્કારોની પાર્ટી છે, ત્યારે આવું થયું હશે, તો તે દુઃખદ ઘટના છે. હાલ તો આ વિવાદના વંટોળ વચ્ચે શહેરમાંથી 44 જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેઓના નામની છણાવટ કરી તા. 10 જાન્યુઆરી સુધી અંતિમ નામો પર મહોર લાગે તેવી શક્યતાઓ છે.