/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/12151957/drqarm7z-1-e1607766784743.jpg)
વલસાડ જિલ્લાના વાપી નજીક દમણગંગા નદીના કિનારે જોખમી બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે. જોકે મેડિકલ ક્ષેત્રમાં વપરાતા ઇન્જેક્શન અને હેન્ડગ્લોવ્સ સહિતનો જથ્થો રઝળતી હાલતમાં મળી આવતા તંત્રની કામગીરી સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે.
મળતી માહિતી અનુસાર, વાપી નજીક જીઆઇડીસી સ્થિત દમણગંગા નદીના કિનારે હોસ્પિટલમાં વપરાયેલ બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. દર્દીઓ માટે વપરાતા ઇન્જેક્શન, હેન્ડગ્લોવ્સ અને સીરીંજ જેવા અનેક વેસ્ટ ખુલ્લી હાલતમાં ફેંકી દેવાયો હોવાનું નજરે પડ્યું છે. જોકે આ કઈ હોસ્પિટલની કરતૂત છે તે તપાસનો વિષય છે. ઉપરાંત સ્થળ પરથી રાયલ્સ ટ્યુબ, ડિસ્પોઝેબલ સીરીંજ, ઇંજેક્શન, લોહીના સેમ્પલ મુકવા માટેના બોટલ જેવા અનેક વેસ્ટ મળી આવ્યા હતા. સુરતની એક કંપની દ્વારા દરેક હોસ્પિટલોમાંથી બાયોમેડિકલ વેસ્ટ લઇ જઇ તેને ડિસ્ટ્રોય કરવામાં આવે છે. તેમ છતાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકાતા આ કરતૂત કરનારા સામે કડકમાં કડક પગલા ભરાય તેવી માંગ ઉઠી છે.
દમણગંગા નદી કિનારે વાપી તેમજ આસપાસના કેટલાક લોકો વહેલી સવારે હરવા ફરવા માટે આવે છે, જ્યારે ઘણા લોકો શ્રાદ્ધ વિધિ માટે પણ અહીં એકઠા થતા હોય છે. જો ભૂલથી જાહેરમાં પડેલા ઇન્જેક્શન કોઇને ચૂભી જાય તો તેનું કેટલું ગંભીર પરિણામ આવી શકે તે પણ વિચારી શકાય તેમ છે. જોકે વાપીની કોઈ હોસ્પિટલ અથવા તો પેથોલોજી લેબ દ્વારા આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની લોકોએ આશંકા વ્યક્ત કરી છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.