વલસાડ : ચોમાસુ, પુર, વાવાઝોડું અને કુદરતી આફતોને પહોચી વળવા તંત્રની પૂર્વતૈયારી, જિલ્લા કલેકટરની અધ્‍યક્ષતામાં યોજાઇ બેઠક

New Update
વલસાડ : ચોમાસુ, પુર, વાવાઝોડું અને કુદરતી આફતોને પહોચી વળવા તંત્રની પૂર્વતૈયારી, જિલ્લા કલેકટરની અધ્‍યક્ષતામાં યોજાઇ બેઠક

વલસાડ જિલ્લામાં આગામી ચોમાસુ-૨૦૨૧ની પૂર્વ તૈયારી અંગે જિલ્લા કલેકટર આર.આર.રાવલના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્‍લાના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્લા કલેકટર રાવલે આગામી ચોમાસુ-૨૦૨૧ની પૂર્વતૈયારી રૂપે દરેક વિભાગના અધિકારીઓને તેમની કચેરીનો ડીઝાસ્‍ટર પ્‍લાન તૈયાર કરવા જણાવ્‍યું હતું. જેમાં દરેક વિભાગના પ્‍લાનને ધ્‍યાને લઇ જિલ્લા કક્ષાનો ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાન આગામી તા. ૨૦/૦૫/૨૦૨૧ સુધીમાં તૈયાર કરવા માટે સંબધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્‍યું હતું.

વલસાડ જિલ્લાના પ્રાંત અધિકારીઓને તેમના તાલુકાના મામલતદારોને તાલુકા કક્ષાના ડીઝાસ્‍ટર કંટ્રોલ રૂમ માટે સંબધિત અધિકારી/કર્મચારીઓની ફરજના ઓર્ડર કરી દેવા તેમજ ગત ચોમાસા દરમિયાન ડેમ, તળાવ તૂટી ગયા હોય તો સંબધિત કાર્યપાલક ઇજનેરને વહેલી તકે રીપેર કરી દેવા સૂચના આપવામાં આવી હતી. તો સાથે જ રસ્‍તાઓ ઉપર ખોદકામ થયું હોય તો તે પણ તપાસ કરી ચોમાસા દરમિયાન રસ્તાઓ બેસી ન જાય તે અંગે તકેદારી રાખી રસ્‍તાઓનું સમારકામ કરી દેવા જરૂર જણાય ત્‍યાં બેરીકેટીંગ કરી દેવા જણાવાયું હતું. જિલ્‍લાની પાર, માન, તાન, કોલક, દમણગંગા, દારોઠા નદીઓના પટ્ટ વિસ્‍તાર તથા નીચાણવાળા વિસ્‍તારોની મુલાકાત લેવા માટે મામલતદારોને સૂચના આપવામાં આવી હતી.

વલસાડ જિલ્‍લામાં પુર તથા વાવાઝોડાની સંભવિત પરિસ્‍થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા જિલ્લાના તમામ તાલુકામાં આશ્રયસ્‍થાનોની માહિતી તૈયાર રાખવા જિલ્‍લાના શહેરી વિસ્‍તારો માટે નગરપાલિકાના ચીફ ઓફિસરોને તેમજ ગ્રામ્‍ય કક્ષાએ મામલતદારોને જણાવ્‍યું હતું. જિલ્‍લામાં એકી સાથે ૧૦ ઇંચ વરસાદ પડે તો તેવી સ્‍થિતિમાં કયા રસ્‍તાઓ બંધ કરી દેવા, ઝાડ પડયા હોય તો વહેલી તકે મુખ્‍ય માર્ગ ઉપર પડેલ ઝાડ કાપીને રસ્‍તા ઉપરથી હટાવીને રસ્‍તો ખુલ્લો કરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. ચેકડેમ છલકાય અને બે ફૂટ પાણી ચેકડેમ ઉપરથી પસાર થાય તેવી સ્‍થિતિમાં પુલ ઉપરથી અવર-જવર કરવું ભયજનક સાબિત થાય તે અંગેના જરૂરી નોટિસ બોર્ડ લગાવવા માટે સંબધિત કાર્યપાલક ઇજનેરોને સૂચના આપવામાં આવી.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને ઇમરજન્‍સી ડિઝાસ્‍ટર કંટ્રોલ રૂમ તથા જિલ્લાની મુખ્‍ય કચેરીઓમાં વીજકાપ ન રહે તેની તકેદારી રાખવા, તેમજ જયાં ટ્રાન્‍સફોર્મર અને વીજતાર નીચા હોય તો તેમને વહેલી તકે ઊંચા કરી દેવાની સૂચના આપવામાં આવી છે. જિલ્‍લા પુરવઠા અધિકારીને જિલ્‍લાના અનએપ્રોચ ગામોમાં અન્ન તેમજ ચીજ વસ્‍તુઓનો પુરવઠો ઉપલબ્‍ધ કરવા તેમજ ફૂડ પેકેટ વિતરણ માટે જિલ્લાની સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી.

શહેરી વિસ્‍તારોમાં વરસાદી પાણીની અવરજવર થઇ શકે તે માટે ઇનલેટ-આઉટલેટ ચેક કરવા તેમજ તળાવોના ઇનલેટ-આઉટલેટ પર મૂકેલા ગેટ રીપેરિંગ ઉપર ડમી મારેલા હોય તો તે કાઢી લેવા, વોટર લોગીંગ વિસ્‍તારમાં પાણી ન ભરાય તે મુજબની તમામ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ કરવા, સ્‍ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનના કેચપીટ અને મેનહોલના નંબરિંગ કરાવવા, ડીસિલ્‍ટિંગ કરાવવા, તમામ મેનહોલ, કેચપીટના ઢાંકણા રોડ લેવલે કરવા, નવા બનાવેલા, વાઇડનિંગ કરેલા તેમજ હયાત રોડ ઉપર હયાત ગ્રેડીયન્‍ટ મુજબ વરસાદી પાણીનો ત્‍વરિત નિકાલ થાય, ડિવોટરીંગ પંપોને ચકાસણી કરી તૈયાર રાખવા માટે ચોમાસા પહેલા આયોજન કરવા માટે ચીફ ઓફિસરોને જણાવ્‍યું હતું.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એન. એમ. રાજપૂત, પ્રાંત અધિકારીઓ, માર્ગ મકાન વિભાગના રાજ્‍ય અને પંચાયતના કાર્યપાલક ઇજનેર, ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર, વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

Latest Stories