વલસાડ જિલ્લાના વાપી ડમ્પિંગ સાઈટ પર દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે અચાનક મુલાકાત લેતા જ વહીવટી તંત્રમાં ફફડાટ મચી ગયો હતો. અને તેઓએ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
વલસાડ જિલ્લાના વાપી અને સંઘપ્રદેશ દમણ વચ્ચે ડમ્પિંગ સાઇટના કચરા અને પ્રદૂષણને લઈને મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે. દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે વાપી મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટની અચાનક મુલાકાત લેતા જ વહીવટી તંત્રમાં ફફડાટ મચી ગયો છે. સાંસદે વાપીના તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે, તો બીજી તરફ વાપી મનપાના કમિશનરે પણ આ આક્ષેપો સામે વળતો પ્રહાર કર્યો છે.
વાપી મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે કોઈપણ પૂર્વ સૂચના વગર અચાનક એન્ટ્રી મારી દીધી હતી. સાંસદની આ સરપ્રાઇઝ વિઝિટને પગલે વાપી મનપાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ડમ્પિંગ સાઈટ પર કચરાના પહાડ અને ગંદકી જોઈને સાંસદ ઉમેશ પટેલે વાપી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે આ ડમ્પિંગ સાઇટના કારણે પવિત્ર દમણગંગા નદી પ્રદૂષિત થઈ રહી છે અને તેના કારણે દમણના રહીશોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સાંસદ ઉમેશ પટેલના આકરા પ્રહારો બાદ વાપી મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે. વાપી મનપાના કમિશનરે સાંસદના તમામ આક્ષેપોને સરેઆમ ફગાવી દીધા છે. કમિશનરે દાવો કર્યો છે કે વાપીની ડમ્પિંગ સાઇટના કારણે દમણમાં કોઈ જ પ્રદૂષણ ફેલાતું નથી અને નદી પ્રદૂષિત થવાનો આક્ષેપ પાયાવિહોણો છે.
