/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/05181232/5-9-2020-Teachers-Day-3-scaled-e1599309764218.jpg)
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ શિક્ષક દિન નિમિત્તે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ હાઇસ્કૂલ, અબ્રામા ખાતે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ અવસરે વન અને પર્યાવરણ તથા આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે તાલુકા કક્ષાના 2 અને જિલ્લા કક્ષાના 3 શિક્ષકો મળી કુલ 5 શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રશસ્તિપત્ર અને મેડલ આપી સન્માન કરાયું હતું. આજે શ્રેષ્ઠ શિક્ષકો તરીકે સન્માનિત કરાયેલા શિક્ષકો પૈકી તાલુકા કક્ષાના શિક્ષકોમાં ખારવેલ પ્રાથમિક શાળાના હર્ષા માધવસિંહ પરમાર અને નાનાપોંઢા પ્રાથમિક શાળાના સ્નેહલ પટેલ તેમજ જિલ્લાક્ષાના શિક્ષકોમાં ફલધરા માધ્યમિક શાળાના વિપુલ ડી. પટેલ, સી.આર.સી રોણવેલ કૃણાલ પટેલ અને અંબાચ વાઘસર પ્રાથમિક શાળાના જગદીશ પટેલનો સમાવેશ થાય છે.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, શિક્ષક બનીને શૈક્ષણિક કાર્ય કરવા ઉપરાંત અન્ય ગુણો વિકસાવે તે શ્રેષ્ઠ શિક્ષક બને છે. માં પછીનું સ્થાન ગુરુજનનું છે, જેનું સન્માન કરવું જોઇએ. સમાજમાં પ્રતિભા બતાવવી એ પણ એક કુશળતાનું કામ છે. સભ્ય સમાજ નિર્માણમાં શિક્ષકનો ફાળો અગત્યનો છે. શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવાથી અન્ય શિક્ષકોને કંઇક કરવાની પ્રેરણા મળે છે. રાજ્યના દરેક બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે રાજ્ય સરકારના સતત પ્રયાસો રહ્યા છે. દરેક શાળામાં માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે શાળાના સુવિધાયુક્ત મકાનોના નિર્માણ કરવામાં આવી રહ્યાં છે. આદિવાસી ક્ષેત્રોમાં ભણતરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાને કારણે સરકારે કરેલા અવિરત પ્રયાસોના કારણે આજે રાજ્યમાં 100 ટકા નામાંકન થવાની સાથે ડ્રોપ આઉટ રેશીયો 2 ટકા સુધીનો જ રહયો છે. પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન આપી તેઓ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે વલસાડ કલેકટર આર.આર.રાવલે દરેકના જીવનમાં ગોવિંદના દર્શન કરાવનાર શિક્ષકો પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતાં જણાવ્યું હતું કે, સમાજને સતત નવું શીખવવાની ખેવના રાખનાર આદર્શ શિક્ષક બાળકોના જીવનચરિત્રનું નિર્માણ કરે છે. ક્ષણ-ક્ષણ શીખવાવાળો અને ક્ષણ-ક્ષણ શીખનાર શિક્ષક છે. દરેક બાળકોમાં આગવી પ્રતિભા છે, તેની પ્રતિભાને કંડારવાનું કામ શિક્ષક કરે છે. જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.પ્રવણ મુખરજીના માનમાં 2 મીનીટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાને રાખી કાર્યક્રમ સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરવા સહિત સેનેટાઇઝર, ઓકસીમીટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.