ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે ભારે તારાજી સર્જાય

વરસાદ વચ્ચે મધુબન ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાયું

દમણ ગંગા નદી જેટી કિનારેથી નુકસાનના દ્રશ્યો સામે આવ્યા

જેટી પર લંગારેલ 70થી વધુ ટ્રોલર બોટને મોટું નુકસાન થયું

સર્વે કરી નુકસાનનું વળતર આપવા માછીમાર સમાજની માંગ

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરે જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યો છે. જિલ્લામાં વિક્રમ જનક ભારે વરસાદ બાદ ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. મધુબન ડેમમાંથી છોડાયેલા 3 લાખ ક્યુસેક પાણીએ સંઘપ્રદેશ દમણના માછીમારોને જીવનભરનું દર્દ આપ્યું હોય તેવો અહી ઘાટ ઘડાયો છે. મધુબન ડેમમાંથી રેકોર્ડ બ્રેક પાણી છોડાતા દમણ ગંગા નદીના ભયાવક દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે નદીના રૌદ્ર સ્વરૂપના કારણે દમણ જેટી કિનારેથી ભારે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે.

જેટી પર લંગારેલ 70થી વધુ ટ્રોલર બોટને મોટું નુકસાન પહોચ્યું છે. 10થી વધુ મોટી બોટો દમણ ગંગા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતાં માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 80થી ૯૦ લાખની એક બોટ પર 10થી વધુ માછીમાર પરિવાર નભતા હોય છે, ત્યારે મોટી બોટો તબાહ થતાં નાના માછીમારોનું જીવન થયું અંધકારમય બન્યું છે, ત્યારે હવે તાત્કાલિક સર્વે કરી નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માછીમાર સમાજે દમણ પ્રશાસન પાસે માંગ કરી છે.