વમળમાંથી વમળનાથનું પ્રાગટ્ય જ્યાં મહાદેવ પોતે કણ-કણમાં વિરાજે છે! કહેવાય છે કે યુગો પહેલાં માઁ રેવા પરમ પવિત્ર જળના વમળમાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા દેવાધિદેવ શંભુ! વમળમાંથી પ્રગટ થવાને કારણે જ તેઓ “વમળનાથ મહાદેવ” કહેવાયા, અને તેમના જ પરમ પવિત્ર નામ પરથી આ ગામનું નામ પવિત્ર વમલેશ્વર પડ્યું. આ કેવળ એક મંદિર નથી, પરંતુ કરોડો શિવભક્તોની અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક છે.

હાંસોટ તાલુકાનું દિવ્ય તીર્થધામ વમલેશ્વરની આ પાવન ધરતી પર મહાદેવની કૃપા અપરંપાર છે. અહીં વમળનાથ સાથે સોમેશ્વર, રત્નેશ્વર, ગુપ્તેશ્વર અને પાલેશ્વર જેવા પાંચ પ્રાચીન શિવાલયો સ્થાપિત છે.

જીર્ણોદ્ધાર બાદ આજે અહીં એક જ છત નીચે કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ અને કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. બાજુમાં જ વિરાજમાન માઁ નર્મદાનું પ્રાચીન મંદિર ભક્તોના હૃદયમાં ભક્તિનો અનંત પ્રવાહ વહાવે છે.

અમરકંટકથી શરૂ થતી કઠિન નર્મદા પરિક્રમાનો પ્રથમ તબક્કો આ જ વમલેશ્વર ધામે વમળનાથના દિવ્ય દર્શન કરીને પૂર્ણ થાય છે. અહીંથી જ ભક્તો નાવડીમાં બેસી ઉત્તર કિનારે પહોંચી પોતાની બીજા ચરણની યાત્રા શરૂ કરે છે. લાખો પરિક્રમાવાસીઓના ચરણ સ્પર્શથી આ ધરતી પાવન બને છે, અને ગામના શ્રદ્ધાળુઓ પણ પૂરા ભાવથી આ સાધુ-સંતો અને ભક્તોની અન્નક્ષેત્ર અને રહેવાની નિઃસ્વાર્થ સેવા કરી પુણ્યનું ભાથું બાંધે છે.

શ્રાવણ માસ હોય કે સામાન્ય દિવસો, વમલેશ્વરના દ્વારે આવતો કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછો નથી ફરતો. માઁ નર્મદાની મમતા અને વમળનાથ મહાદેવના આશીર્વાદ દરેકની મનોકામના પૂર્ણ કરે છે.

આવા પવિત્ર રેવા સંગમ તીર્થધામ વમળનાથ મહાદેવના ચરણોમાં સંતોષ અને શ્રદ્ધા પૂર્વક કોટિ કોટિ વંદન!