VHPનાં નેતા પ્રવીણ તોગડીયા પત્રકાર પરિષદને સંબોધિત કરશે

New Update
VHPનાં નેતા પ્રવીણ તોગડીયા પત્રકાર પરિષદને સંબોધિત કરશે

વિશ્વ હિન્દુ પરિષદનાં નેતા પ્રવીણ તોગડીયા અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યા બાદ તેમને સારવાર માટે શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુગર લો થવાના કારણે બેભાન થયા હોવાનું તારણ આપવામાં આવ્યુ છે. હોસ્પિટલનાં ડો.અગ્રવાલે તોગડીયાને 108માં હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જોકે તેમને હોસ્પિટલ સુધી લઇ આવનાર અજાણી વ્યક્તિ કોણ હતી તે પ્રશ્ન પણ ચર્ચાય રહ્યો છે.જોકે તોગડીયા 11 કલાકે પત્રકાર પરિષદ સંબોધશે ,જેમાં સર્જાયેલા રહસ્યો પરથી પડદો હટશે તેમ લાગી રહ્યુ છે.

VHP નેતા પ્રવીણ તોગડીયાની જાનને જોખમ હોવાના ઉલ્લેખ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પ્રવીણ તોગડીયાનાં પુત્રએ નિવેદન આપ્યું હતું કે , ઝેડ પ્લસ સુરક્ષા વચ્ચે કોઈ વ્યક્તિ કઈ રીતે ગાયબ થઈ શકે. તારીખ 15મીની સવાર થી જ કોઈ ભાળ નહી મળતા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

publive-image

વિશ્વ હિન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલના પગલે હોબાળો મચી ગયો હતો. વીએચપીના કાર્યકરોએ સોલા પોલીસ સ્ટેશન અને સોલા રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. ત્યારે સોલા પોલીસે પ્રવીણ તોગડીયાની ધરપકડ કે અટકાયત ન કરી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટે પત્રકાર પરિષદ બોલાવીને તેઓ ગુમ હોવાનું જણાવ્યું હતું અને આ અંગે તપાસ કરી રહ્યા હોવાનું ઉમેર્યુ હતુ.

જે.કે ભટ્ટે જણાવ્યું હતું કે, 2015માં એક જાહેરનામાનો ભંગનો કેસ હતો. રાજસ્થાનના ગંગાપુર પોલીસે વોરંટ બજાવવા સોલા પોલીસની મદદ માંગી હતી. તેમણે કહ્યું કે, એક રિક્ષામાં બેસી તોગડીયા ક્યાંક ચાલ્યા ગયા છે. અમે તપાસ કરી રહ્યા છીએ. તેઓની પાસે ઝેડ પ્લસ સુરક્ષા છે.

વીએચપીનાં કાર્યકરોએ રાજ્યભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. વીએચપીનાં કાર્યકરોએ અમદાવાદ ઉપરાંત, ગાંધીનગર, રાજકોટ, નવસારી, વડોદરા સહિતના સ્થળોએ તોગડિયાની કોઈ ભાળ ન મળવા મામલે વિરોધ પ્રદર્શન કર્યા હતા.

જોકે મોડી રાત્રે પ્રવીણ તોગડીયા અમદાવાદનાં શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં સારવાર અર્થે હોવાનું બહાર આવતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી,અને તોગડીયાને 108 એમ્બ્યુલન્સની મદદથી એક અજાણી વ્યક્તિ અર્ધ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવી હતી,અને પ્રવીણ તોગડીયાનું સુગર લો થઇ જતા તેમની તબિયત લથડી હોવાની વિગતો સપાટી પર આવી હતી.પરંતુ સમગ્ર મામલે અનેક રહસ્યોનાં વમળો સર્જાયા છે,અને જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ડો.પ્રવીણ તોગડીયાની હાલત હાલમાં સુધારા પર છે,અને તેઓ સવારે 11 કલાકે પત્રકાર પરિષદને સંબોધિત કરશે,જેમાં સમગ્ર ઘટનાક્રમની સત્ય હકીકતો બહાર આવે તેમ લાગી રહ્યુ છે.

Latest Stories