રાજસ્થાનમાં અશોક ગેહલોટના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર ડામાડોળ બની છે. કોંગ્રેસના યુવા નેતા અને ડેપ્યુટી સીએમ સચીન પાયલોટે બળવો કરતાં ગમે ત્યારે સરકાર ઉખડી જાય તેવા સંજોગો ઉભા થયાં છે ત્યારે અમે તમને જણાવી રહયાં છીએ કે કોણ છે સચીન પાયલોટ…
સચીન પાયલોટ એ કોંગ્રેસના પુર્વ દિગ્ગજ નેતા રાજેશ પાયલોટના પુત્ર છે. રાજસ્થાન વિધાનસભાની યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસે સંપુર્ણ બહુમતી મેળવી હતી ત્યારે એમ લાગતું હતું કે કોંગ્રેસનું મોવડી મંડળ યુવા નેતા સચીન પાયલોટને રાજયની કમાન સોપશે પણ તેમના સ્થાને અનુભવી નેતા અશોક ગેહલોટને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતાં. સચીન પાયલોટને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષની સાથે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યાં હતાં.
મધ્યપ્રદેશમાં યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિંયાના બળવા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સત્તા ગુમાવી દીધી છે. હવે રાજસ્થાનના રાજકારણમાં સચીન પાયલોટ ચર્ચાની એરણે ચઢયાં છે. સચીન પાયલોટ મનમોહનસિંગની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુકયાં છે. 2004ની લોકસભાની ચુંટણીમાં તેઓ ડૌસા બેઠક પરથી વિજેતા બની 26 વર્ષની વયે સાંસદ બન્યાં હતાં. તેઓ ટોંક અને અજમેર બેઠક ઉપરથી પણ ચુંટણી લડી ચુકયાં છે. સચીન પાયલોટે કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલ્લાની પુત્રી સારા સાથે લગ્ન કર્યા છે અને પાયલોટ દંપત્તિને બે સંતાનો પણ છે. રાજકારણમાં આવતાં પહેલાં સચીન પાયલોટ બીબીસી અને જનરલ મોટર્સમાં પણ નોકરી કરી ચુકયાં છે.