આજે 3જી ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ, ત્યારે આજના દિવસે રાજ્યભરમાં દિવ્યાંગોએ પોતાને પડતી મુશ્કેલીઓ અંગે સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરતું આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જુનાગઢ અને અમરેલી જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનોએ આવેદન પત્ર થકી સરકાર તેઓની રજૂઆત તાકીદે ધ્યાને લઇ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી આશા વ્યક્ત કરી હતી.
સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર વિશ્વ વિકાલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે હાલ દિવ્યાંગો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે. જે મુદ્દે જુનાગઢ ખાતે દિવ્યાંગ અધિકાર મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રમેશ કોરાટની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી પોતાની માંગણીઓ ધ્યાને લઇ કામગીરી કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, વિકલાંગો શારીરિક ખામીના કારણે ઘણાખરા કામો કરી નથી શકતા તેમજ બીજા રાજ્યોમાં વિકલાંગોને પેન્શન અપાઈ રહ્યું છે, જ્યારે ગુજરાતમાં પેન્શન નથી ચૂકવાતું, ત્યારે સરકાર ઘણા વર્ગોને પેન્શન આપે છે, તેમ વિકલાંગોને પણ પેન્શન આપે. તો સાથે જ જુનાગઢ ગિરનાર રોપ-વેમાં વિકલાંગો માટેનો દર તદ્દન મફત કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
વિશ્વ વિકાલાંગ દિવસ નિમિત્તે વિકલાંગો દ્વારા આજે 22 જિલ્લા અને 14 તાલુકાઓમાં વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી સરકાર સુધી પોતાની રજૂઆત પહોચાડવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના દિવ્યાંગોની પણ હાલત વધુ કફોડી બનતા પોતાની વિવિધ માંગોને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં દિવ્યાંગોને રોજગારી, પેન્શન, સરકારી નોકરી સહિતની માંગ કરવામાં આવી છે, ત્યારે હાલ 11 લાખ જેટલા વિકલાંગોની રજૂઆત તાકીદે ધ્યાને લઈ સરકાર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.