/connect-gujarat/media/media_files/2025/12/05/who-2025-12-05-15-44-53.jpg)
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના 2024 રિપોર્ટમાં મેલેરિયા અંગે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે.
રિપોર્ટ મુજબ, રસીકરણના વધેલા પ્રયોગ અને દવાઓથી સંચાલિત સારવારના કારણે 2024માં અંદાજિત 17 કરોડ કેસ અને આશરે 10 લાખ સંભવિત મોત ટાળી શકાયા છે. તેમ છતાં, મેલેરિયાના નવા કેસ અને મૃત્યુની સંખ્યા અગાઉના વર્ષ કરતાં વધી છે. વર્ષ 2024માં 28.20 કરોડથી વધુ નવા કેસ નોંધાયા અને 6.10 લાખ લોકોના જીવ ગયા, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 9 લાખ વધુ મૃત્યુ દર્શાવે છે, અને જે વૈશ્વિક આરોગ્ય માટે ગંભીર ચેતવણીરૂપ છે.
WHOએ દવાઓ સામે વધતા પ્રતિકાર (ડ્રગ રેઝિસ્ટન્સ) અને ભંડોળમાં આવી રહેલા મોટા ઘટાડાને સૌથી મોટી ચિંતા ગણાવી છે. આફ્રિકાના 8 દેશોમાં મુખ્ય એન્ટીમેલેરિયલ સારવારનું નિષ્ફળ થવું ખાસ ગંભીર પરિસ્થિતિ માનવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બે ઘટકોવાળી મચ્છરદાની (insecticide-treated nets) અને WHO માન્ય રસીઓના વ્યાપક ઉપયોગને કારણે મેલેરિયા નિયંત્રણમાં નોંધપાત્ર સફળતા મળી છે. 2021માં પહેલી મેલેરિયા રસી મંજૂર થયા બાદ અત્યાર સુધી 24 દેશોમાં સતત રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. વધુમાં મોસમી મેલેરિયાને અટકાવવા માટે 2024 દરમિયાન 54 મિલિયન બાળકોને દવાઓ આપવામાં આવી છે, જે મેલેરિયા નિયંત્રણની સૌથી સફળ વ્યૂહરચનાઓમાંની એક માનવામાં આવે છે.
રિપોર્ટમાં મેલેરિયા મુક્ત દેશોની વધતી યાદી પણ આશાનો સંદેશ આપે છે. 2024માં કાબો વર્ડે અને ઈજિપ્તને મેલેરિયા મુક્તનું પ્રમાણપત્ર મળ્યું, જ્યારે 2025માં જ્યોર્જિયા, સુરીનામ અને તિમોર-લેસ્ટે સફળતાપૂર્વક મેલેરિયાથી મુક્ત જાહેર થયા છે. તેમ છતાં, WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધિકારીએ ચેતવણી આપી છે કે વધતા કેસો, દવાઓ સામે વધતો પ્રતિકાર અને ઘટતું ભંડોળ—આ ત્રણેય પરિબળો મળીને મેલેરિયા સામેની વૈશ્વિક લડતને જોખમમાં મુકી રહ્યા છે. તેમણે તમામ દેશોને ભંડોળ વધારવાની, આરોગ્ય પ્રણાલીઓને મજબૂત કરવાની અને નિયંત્રણ કાર્યક્રમોને તેજ કરવાની અપીલ કરી છે, જેથી વૈશ્વિક સ્તરે મેલેરિયાની ફરીથી વધી રહેલી લહેરને રોકી શકાય.